Anand,તા.18
ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈના રાઈટર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીને આણંદ એસીબીએ કલોદરા ગામ નજીક છટકું ગોઠવીને દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો. કલોદરા ગામના વ્યક્તિ પાસેથી પ્રોહિબીશનના ગુનામાં નામ ન ખોલવા બે લાખની લાંચ માંગી હતી. એસીબીએ પોલીસ કર્મચારીને અટકમાં લઈ વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
ખંભાતના કલોદરા ગામના ફરિયાદીના મિત્ર સામે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે થોડા સમય પહેલા વિદેશી દારૂ અંગે પ્રોહિબીશનનો ગુનો નોંધાયો હતો.
આ બનાવ અંગે તપાસ કરી રહેલા પીએસઆઈના રાઈટર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મી રોશનકુમાર જગદીશભાઈ વણકર (રહે. ખંભાત) દ્વારા ફરિયાદીના મિત્રને હાજર કરાવવા અને ફરિયાદીનું નામ આ ગુનામાં ના ખોલવા માટે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી.
રકઝકના અંતે રૂ.૧.૨૦ લાખ આપવાનું નક્કી થયું હતું. બાદમાં રોશનકુમારે ફરિયાદીનો સંપર્ક કરીને વધુ રૂ.૩૦ હજાર ઉમેરી કુલ દોઢ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. તેણે આણંદ એસીબી પોલીસ મથકે આવી પોતાની ફરિયાદ નોંધાવી હતી.
જેથી આણંદ એસીબીએ ગુરૂવારે ખંભાતના કલોદરા ગામે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પોતાની કાર લઈને કલોદરા ગામના ત્રણ રસ્તા ખાતે પહોંચ્યા હતા અને રાઈટર રોશનકુમારનો સંપર્ક કર્યો હતો. જેથી રાઈટર કારમાં બેસીને હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીએ લાંચની રકમ આપતા જ એસીબીની ટીમે પોલીસ કર્મીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો. એસીબીએ રોશનકુમારને અટકમાં લઈ વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.