Ahmedabad, તા.7
આજે બે મોટી રાજકીય પાર્ટીના નેતા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સુરત ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવ્યા છે, ત્યારે રાહુલ ગાંધી પણ આજે 7 માર્ચથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી ગયા છે.
રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે અને બે દિવસ દરમિયાન અમદાવાદની હયાતમાં રોકાશે.
રાહુલ ગાંધી અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠકમાં ભાગ લેશે. જેમાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.
રાહુલ ગાંધી અમદાવાદના એરપોર્ટ પહોંચ્યાં બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય જશે. ત્યારબાદ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કરશે. બપોરે 2 વાગ્યે 44 જિલ્લા અને શહેર પ્રમુખ, બપોરે 3 વાગ્યે તાલુકા અને નગરપાલિકા પ્રમુખ સાથે સંવાદ કરશે. રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે.
જ્યારે 8 માર્ચ, 2025ના રોજ સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે.
રાહુલ ગાંધી 1000 કોંગ્રેસીઓને મળશે. જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈ હાલના રાજ્યના તથા પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે. આમ પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં જ બેસશે. ઉલ્લેખનીય છે કે, સાંજે 5 વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરશે.