Gandhinagar, તા.9
છેલ્લા એકાદ સપ્તાહથી ગુજરાતના અનેક ભાગોને ધમરોળનારા મેઘરાજાએ હવે વિરામ લીધો હોય તેમ રાજ્યમાં છુટોછવાયો-હળવો વરસાદ જ રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર 14 જિલ્લાના 60 તાલુકામાં વરસાદ હતો. સૌથી વધુ 38 મીમી (દોઢ ઇંચ) વરસાદ વલસાડના નાનાપોંસામાં નોંધાયો હતો. રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 24.63 ટકા થયો છે.
ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણના ભાગો તથા સૌરાષ્ટ્રના ભાગો તથા સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓને છેલ્લા એક સપ્તાહ દરમિયાન મેઘરાજાએ ધમરોળ્યા હતા. હવે વરસાદી વિરામનો દોર શરૂ થવાના સંકેત હોય તેમ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદની માત્રા તથા વિસ્તાર ઘટી ગયા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમામે રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
વલસાડના નાણાપોંઢામાં સૌથી વધુ પાણી વરસ્યું હતું. આ સિવાય કપરાડામાં 34 મીમી, ધરમપુરમાં 15 મીમી તથા અન્યત્ર ઝાપટા હતા. ડાંગના આહવામાં એક ઇંચ વરસાદ હતો. ભરૂચ, નર્મદા, તાપી, નવસારી જિલ્લામાં છુટા છવાયા ઝાપટા હતા.
કચ્છ તથા ઉત્તર ગુજરાત સંપૂર્ણ કોરા હતા અને વાતાવરણમાં પણ ઉઘાડ જોવા મળ્યો હતો. મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર જેવા જિલ્લામાં પણ સમાન સ્થિતિ હોય તેમ કોઇ વરસાદ ન હતો.
સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં ગારીયાધાર, ઘોઘા, જેસર જેવા તાલુકાઓમાં સામાન્ય ઝાપટા સિવાય અન્ય જિલ્લા કોરા જ રહ્યા હતા અને વાતાવરણ પણ સ્વચ્છ બનવા લાગ્યું હતું.
ગુજરાતમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થવાના સંકેતો વચ્ચે અત્યાર સુધીનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ 223.88 મીમી નોંધાયો છે. રાજ્યમાં સિઝનમાં સરેરાશ વરસાદ 908.88 મીમી થતો હોય છે તેની સરખામણીએ 24.63 ટકા પાણી વરસી ગયું છે.
રાજ્યના ત્રણ તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 29 તાલુકામાં 20 થી 40 ઇંચ, 35 તાલુકામાં 10 થી 20 ઇંચ, 78 તાલુકામાં 5 થી 10 ઇંચ, 88 તાલુકામાં 2 થી 5 ઇંચ તથા 28 તાલુકામાં બે ઇંચથી ઓછો વરસાદ છે.
સાત તાલુકાઓ હજુ સુધી કોરા ધાકોડ છે અને મેઘરાજાએ મહેર વરસાવી નથી. રાજ્યમાં ઝોનવાઇઝ વરસાદમાં દક્ષિણ ગુજરાત ટોચ પર છે જ્યાં અત્યાર સુધીમાં સિઝનનો 34.69 ટકા વરસાદ થઇ ગયો છે. સૌરાષ્ટ્રમાં 27.61 ટકા, મધ્ય ગુજરાતમાં 17.31 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા તથા કચ્છમાં માત્ર 1.92 ટકા પાણી વરસ્યું છે.

