New Delhi, તા. 9
ફિફા વર્લ્ડ કપના રોમાંચ વચ્ચે અર્જેન્ટીના ફૂટબોલ મહાસંઘ (AFA) ના નાણાકીય વ્યવહારો અમેરિકી તપાસ એજન્સી FBI ના રડાર પર આવી ગયાં છે. અર્જેન્ટીનાના અખબાર ‘લા નેસિયોન’ ના અહેવાલ મુજબ, પ્રમુખ ક્લાઉડિયો ટેપિયાના નેતૃત્વ હેઠળના મહાસંઘે અમેરિકાની બેંકિંગ સિસ્ટમ દ્વારા સેંકડો મિલિયન ડોલર કઈ રીતે ટ્રાન્સફર કર્યા અને તેમાં કોઈ મની લોન્ડરિંગ કે નાણાકીય ગુનો થયો છે કે નહીં, તેની ઊંડી તપાસ શરૂ થઈ છે. આ ખુલાસાથી ફૂટબોલ જગતમાં ભારે હોબાળો થયો છે.
આ સમગ્ર વિવાદનાં કેન્દ્રમાં અમેરિકાનાં ફ્લોરિડા સ્થિત ‘ટૂર પ્રોડ એન્ટર એલએલસી’ નામની કંપની છે, જે વિદેશમાં AFA ના નાણાકીય કાર્યો સંભાળે છે. રિપોર્ટ અનુસાર, આ કંપનીએ મહાસંઘની આશરે 260 મિલિયન ડોલરની આવકનું સંચાલન કર્યું હતું, પરંતુ બેંક રેકોર્ડ દર્શાવે છે કે આ રકમનો માત્ર એક નાનો હિસ્સો જ ફૂટબોલ એસોસિએશનના વાસ્તવિક ઓપરેટિંગ ખર્ચમાં વપરાયો હતો. બાકીની મોટી રકમની હેરફેર અંગે ગંભીર સવાલો ઊભા થયાં છે.
સૌથી વધુ શંકાસ્પદ બાબત એ છે કે, આ કમાણીમાંથી આશરે 57 મિલિયન ડોલર જેટલી જંગી રકમ કોઈ પણ સ્પષ્ટ આર્થિક કારણ વગર અન્ય કંપનીઓ અને લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવી છે.
આમાંની ઘણી કંપનીઓ એવી છે જેમણે કોઈ સેવા આપી હોય તેવો કોઈ રેકોર્ડ નથી. આ ઉપરાંત, AFAના પ્રમુખ ટેપિયાનો અર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ સાથે પણ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને તાજેતરમાં જ તેમનાં પર ટેક્સ ચોરીનાં આરોપો પણ લાગ્યાં છે.

