New Delhi,તા.9
ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના 15 વર્ષનાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી સતત બે મેચમાં ફ્લોપ સાબિત થયો છે. ટીમ ઇન્ડિયામાં વૈભવના ડેબ્યૂ માટે ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં, પરંતુ તે પોતાની પ્રથમ મેચમાં માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ નોટિંગહામમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં પણ વૈભવ 5 બોલમાં માત્ર 13 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. જોકે, આ ટૂંકી ઇનિંગ્સ દરમિયાન તેણે 2 આકર્ષક સિક્સર જરૂર ફટકારી હતી.
શું સંજુ સેમસનની વાપસી થશે? :-
અત્રે ઉલ્લેખનીય છે કે વૈભવ સૂર્યવંશીને સંજુ સેમસનના સ્થાને ઓપનિંગમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, સતત બે મેચમાં નિષ્ફળ ગયાં પછી હવે એવા સવાલો ઉઠી રહ્યાં છે કે શું વૈભવના ડેબ્યૂને લઈને ટીમ મેનેજમેન્ટે ઉતાવળ કરી છે? શું ટીમ ફરીથી સંજુ સેમસન તરફ વળશે અને વૈભવને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસવું પડશે? વૈભવની આ પસંદગીને લઈને સુનિલ ગાવસ્કરે પણ મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ચેતવણી આપી છે.
શું પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થશે વૈભવ? :-
શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધી એકપણ મેચ જીતી શકી નથી. ઇંગ્લેન્ડ પહેલાં ભારત આયર્લેન્ડ સામે પણ 2-0થી સીરીઝ હારી ચૂક્યું છે. જોકે, ઇંગ્લેન્ડ સામે બે મેચમાં ફેલ થયાં પછી પણ વૈભવને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાની શક્યતા નહિવત છે.
ટીમ મેનેજમેન્ટ વૈભવને પૂરો મોકો આપવાનાં મૂડમાં દેખાઈ રહ્યું છે, જેથી સંજુ સેમસને હાલ થોડી વધુ રાહ જોવી પડી શકે છે. બીજી તરફ, મિડલ ઓર્ડરમાં સતત ફ્લોપ થઈ રહેલાં તિલક વર્માની જગ્યાએ સંજુને ફિટ કરવામાં આવી શકે છે.
વૈભવની વાત કરીએ તો તેની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગત પહેલેથી જ વાકેફ છે. સિનિયર ટીમ માટે પ્રથમ વખત રમી રહેલાં વૈભવે ભલે નાની ઇનિંગ્સ રમી હોય, પરંતુ તે જેટલો સમય ક્રિઝ પર રહ્યો, એટલો સમય બોલરોમાં તેનો ડર સ્પષ્ટ જોવા મળ્યો
હતો.
ત્રીજી ટી20માં ભારતની 125 રને શરમજનક હાર :-
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી20 મેચમાં ટીમ ઇન્ડિયાને 125 રનના મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં ઇંગ્લેન્ડે ફિલ સોલ્ટની અર્ધસદીની મદદથી 7 વિકેટે 201 રન બનાવ્યાં હતાં. જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 11.4 ઓવરમાં 76 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

