ધ્રોલથી આવેલા ઇર્શાદને પિતરાઈ સહિત અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંક્યા
Rajkot,તા.09
શહેરના સદર બજાર, હરિહર ચોક વિસ્તારમાં મોબાઈલ લોનના હપ્તા ન ભરવા બાબતે થયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખીને, ધ્રોલથી પોતાની બે મહિનાની દીકરીની દવા લેવા રાજકોટ આવેલા રિક્ષાચાલક યુવક પર રાત્રિના સમયે કુટુંબી ભાઈ સહિતનાઓએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ, મૂળ ધ્રોલના રહેવાસી અને વ્યવસાયે રિક્ષાચાલક ઈર્ષાદ ઈમરાન સાહમદાર (ઉં.વ. ૨૨) ના માતા-પિતા રાજકોટના સદર બજાર, હરિહર ચોક વિસ્તારમાં રહે છે. તેમના જણાવ્યા અનુસાર આશરે ત્રણ મહિના પહેલાં, ઈર્ષાદના કુટુંબી ભાઈ શકીલ યાસીન સાહમદારે ઈર્ષાદના નામે લોન પર ₹૪૬,૦૦૦નો મોંઘોદાટ મોબાઈલ ખરીદ્યો હતો. જો કે, શરૂઆતના બે હપ્તા ભર્યા બાદ શકીલે લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું.હપ્તા ન ભરાતા ઈર્ષાદે આ મામલે પોલીસમાં અરજી કરી હતી. પોલીસ કાર્યવાહીના ડરથી શકીલે મોબાઈલ તો પરત આપી દીધો હતો, પરંતુ મનમાં ખાર રાખ્યો હતો. તેણે ઈર્ષાદને ધમકી આપી હતી કે, “તું જ્યારે પણ રાજકોટ આવીશ ત્યારે તને જાનથી મારી નાખીશ.” ગઈકાલે રાત્રે ઈર્ષાદ પોતાની બે મહિનાની નાની દીકરીની દવા લેવા માટે ધ્રોલથી રાજકોટ આવ્યો હતો. દરમિયાન રાત્રિના આશરે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ તે સદર બજાર હરિહર ચોક વિસ્તારમાં હતો, ત્યારે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે શાકિર સહિતનાઓએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરો ઈર્ષાદને લોહીલુહાણ હાલતમાં મૂકીને નાસી છૂટ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈર્ષાદને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગેની જાણ થતાં જ પોલીસ હોસ્પિટલે દોડી ગયો હતો અને ભોગ બનનાર યુવકનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.

