૮ મહિના પહેલા જ ઝારખંડથી કામ અર્થે આવેલી મહિલાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક
Rajkot,તા.09
શહેર નજીક આવેલા રાજ સમઢીયાળા ગામમાં આવેલી આરએસપીએલ કંપનીના પરિસરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કંપનીમાં જ રહીને મજૂરી કામ કરતી મૂળ ઝારખંડની યુવતીએ પોતાના રૂમમાં લોખંડની એંગલ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસે સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઝારખંડની રહેવાસી અને હાલ રાજસમઢીયાળા ગામમાં આવેલી આરએસપીએલ કંપનીમાં કામ કરતી અને રહેતી દુલદબેન ડોટર ઓફ મિસ્ત્રી કિમકુ દેશડા (ઉં.વ. ૩૩) રોજગારી મેળવવા માટે તેઓ આશરે ૮ મહિના પહેલા જ ઝારખંડથી અહી કામ અર્થે આવ્યા હતા. આજે સવારના સમયે તેમણે પોતાના જ રૂમમાં લોખંડની એંગલ સાથે ચૂંદડીનો ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ થતાં આજુબાજુના લોકો અને કંપનીના સત્તાધીશો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ આજીડેમ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી, યુવતીએ કયા ચોક્કસ કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક દુલદબેન પોતાના બે ભાઈ અને એક બહેનના પરિવારમાં સૌથી નાના હતા. થોડા સમય પહેલા જ તેમના છૂટાછેડા થઈ ગયા હોવાથી તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને એકલવાયું જીવન જીવતા હતા.હાલ કયા કારણોસર પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

