દેશની મોટી હસ્તીઓએ સમજી-વિચારીને બોલવું જોઇએ. જ્યારે કોઈ વ્યક્તિત્વ હસ્તી બની જાય છે, તો તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો, બલ્કે એક વિચાર બની જાય છે, તેનું કદ સમાજને પ્રભાવિત કરવા લાગે છે. તમિલ સુપરસ્ટાર અભિનેતા કમલ હાસન એવી જ હસ્તી છે, જેના કહેલા શબ્દ લોકોને, સમાજને પ્રભાવિત કરે છે. કન્નડ ભાષાને લઈને તેનાં નિવેદન બેજવાબદાર છે અને તથ્યોથી પર છે. કર્ણાટક હાઇકોર્ટે કમલ હાસનને અરીસો દેખાડતાં કહ્યું કે ‘તમે ભલે કમલ હાસન હશો, પરંતુ તમે કોઇની પણ ભાવનાઓને ઠેસ ન પહોંચાડી શકો, તમને કોઈ હક નથી.’ કમલને કોર્ટની ઝાટકણી નિવેદનવીરો માટે બોધપાઠ છે. બેશક તમિલ ભારતની પ્રાચીન ભાષાઓમાંથી એક છે, પરંતુ કન્નડ પણ અતિ પ્રાચીન ભાષા જ છે. મલયાલમ, તેલુગુની જેમ તમિલ અને કન્નડ પણ દ્રવિડ પરિવારની ભાષા છે, પરંતુ ભાષા ઇતિહાસમાં એવા કોઈ પુરાવા નથી કે કન્નડની ઉત્પત્તિ તમિલથી જ થઈ છે. તમિલ ભાષાની ઉત્પત્તિ લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં થઈ હતી, જ્યારે કન્નડ ભાષાની ઉત્પત્તિ લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં. તેમ છતાં બાષા ઇતિહાસ વિજ્ઞાની એ વાતે એકમત નથી કે કન્નડનો વિકાસ તમિલથી થયો છે. કર્ણાટક હાઇકોર્ટે કમલ હાસનને યોગ્ય જ પૂછ્યું કે તમે ઇતિહાસકાર છો કે ભાષાવિદ્દ?
આપણા દેશમાં અનેક મોટા લોકો, ખાસ કરીને રાજનીતિજ્ઞો સર્વજ્ઞાની હોવાના ભ્રમમાં અનેક વાર બફાટ કરતા હોય છે અને વિવાદ પેદા કરે છે. કેટલીય વાર તેઓ ચર્ચામાં આવવા આવું કરે છે. વિવાદ ફિલ્મ પ્રમોશનની એક રીત રહી છે. કમલ હાસન અભિનેતા પણ છે અને રાજનેતા પણ છે. એવામાં તમિલ અસ્મિતાની રાજનીતિથી તેઓ તમિલનાડુના રાજકારણમાં પગપેસારો કરવા માગે છે. એવામાં તેમનું તમિલ અને કન્નડ ભાષા પરનું નિવેદન રાજનીતિ ચમકાવવા અને પ્રચાર મેળવવાના હેતુથી અપાયું છે, પરંતુ હાઇકોર્ટે જે રીતે ચેતવણી આપી છે, તેનાથી તેણે બોધપાઠ લેવાની જરૂર છે. કમલ હાસને પોતાની ફિલ્મ ઠગલાઇફના પ્રમોશન દરમ્યાન કહ્યું હતું કે કન્નડ તમિલ ભાષાથી જ પેદા થઈ છે. ખોટા નિવેદનને કારણે અનેક રાજકીય વિવાદ અદાલતોમાં છે. ભૂતકાળમાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ વગેરે સહિત કેટલાય નેતાઓએ પોતાનાં જૂઠ્ઠાં નિવેદનો બદલ અદાલતોમાં જઈને માફી માગવી પડી છે. કમલ માત્ર તમિલ સ્ટાર જ નહીં, પરંતુ દક્ષિણના તમામ રાજ્યો સહિત દેશનો પણ સુપરસ્ટાર છે. તેણે દક્ષિણની પરિપાટીની જેમ જ રાજનીતિ કરવી હોય તો તેણે સમજવું જોઇએ કે રાજનીતિ વધારે સંવેદનશીલ બાબત છે. ન્યાયમૂર્તિ એમ.નાગપ્રસન્નાએ કમલ હાસનના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે જળ, ભૂમિ અને ભાષા, આ ત્રણેય દરેક નાગરિકની ઓળખ સાથે જોડાયેલી હોય છે. તમિલ અને કન્નડ ભાષાઓ દ્રવિડ ભાષા પરિવારની છે અને તેમાં ઘણી સમાનતાઓ છે, ખાસ કરીને વ્યાકરણ અને શબ્દાવલિ બ ાબતે. જોકે તે અલગ-અલગ ભાષાઓ રૂપે વિકસિત થઈ છે અને તેમનો સાહિત્યિક ઇતિહાસ પણ અલગ છે. કન્નડ ભાષા ત્રીજી શતાબ્દી ઇસા પૂર્વથી જ બોલાતી એક પ્રાચીનતમ ભાષા છે. કન્નડને ૨૦૦૮માં ભારત સરકાર દ્વારા શાસ્ત્રીય ભાષા રૂપે જાહેર કરી હતી. ભાષા પર વિવાદ પેદા કરીને દેશની એક્તા અને અખંડતાને કમજોર ન કરવી જોઇએ. તમિલનાડુમાં હિંદી વિવાદ પહેલેથી જ ચાલી રહ્યો છે.