કુળદેવી ચામુંડા માતાજી, ખોડિયાર માતાજી અને વાકોલ માતાજીના મંદિરોને બનાવ્યા નિશાન
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૫
જામનગર તાલુકાના ચન્દ્રાગા ગામમાં આવેલા ત્રણ પૌરાણિક મંદિરોમાં થયેલી ચોરીની ઘટનાએ ભક્તોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે. આ અંગે નવાગામ ઘેડ ખાતે રહેતા યશગીરીશભાઈ બાબુલાલ પરમારની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ ચન્દ્રાગા ગામમાં આવેલા ખવાસ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પૌરાણિક મંદિરમાં પરિવાર દ્વારા વર્ષોથી ચડાવવામાં આવેલા આશરે બે કિલો પંચધાતુના છત્તરો તેમજ બે ગ્રામ વજનનું સોનાનું છત્તર મળી અંદાજે રૂ. ૧ લાખનો મુદ્દામાલ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. શરૂઆતમાં પરિવારજનોએ ગામમાં પૂછપરછ કરી તેમજ જાતે તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી. ત્યારબાદ મંદિરની બાજુમાં રહેતા વ્યક્તિએ ફોન કરીને મંદિરમાંથી છત્તરો ગાયબ હોવાની જાણ કરતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા.
આ દરમિયાન વધુ તપાસ કરતાં ચન્દ્રાગા ગામની નદી પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિરમાંથી આશરે ૧૪.૫ કિલો વજનનો પિત્તળનો ઘંટ, જેની કિંમત અંદાજે રૂ. ૧૦ હજાર છે, તે પણ ચોરી થયેલો હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત નજીકમાં આવેલા વાકોલ માતાજીના પૌરાણિક મઢમાંથી આશરે બે તોલા વજનનું સોનાનું ચળું (આભૂષણ), જેની કિંમત અંદાજે રૂ. ૨ લાખ છે, તે પણ તસ્કરો ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ ફરિયાદ મુજબ તા. ૧૩ જૂન, ૨૦૨૬થી તા. ૧૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા તસ્કરોએ ચન્દ્રાગા ગામના ત્રણ અલગ-અલગ પૌરાણિક મંદિરોને નિશાન બનાવી સોના, પંચધાતુના છત્તરો તથા પિત્તળના ઘંટ સહિત કુલ અંદાજે રૂ. ૩.૧૦ લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે પંચકોથી બી ડિવિઝન ના વિજય રાઠોડ અને તેઓની ટીમ અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.

