Gandhinagar, તા.17
કુંકાવાવ-વડિયા વિસ્તારના ખેડૂતોને આધુનિક કૃષિ બજારની સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારના મંત્રી મંડળે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મોજે કુંકાવાવ મોટી ખાતે 7 વિઘા જમીન નવી મંજુર થયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી), કુંકાવાવ-વડિયાને ફાળવવાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી છે.
આ નિર્ણયથી કુંકાવાવ-વડિયા એપીએમસીનું આધુનિક સંકુલ વિકસાવવાનો માર્ગ મોકળો બનશે. નવી બજાર સમિતિ કાર્યરત બનતા ખેડૂતોને ઉપજના વેચાણ માટે વધુ સુવિધાજનક, પારદર્શક અને સુવ્યવસ્થિત બજાર વ્યવસ્થાનો લાભ મળશે.
આ અંગે અમરેલી, કુંકાવાવ-વડિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ગામની નજીક આધુનિક કૃષિ માર્કેટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.
કુંકાવાવ-વડીયા એપીએમસી માટે જમીન ફાળવણીનો નિર્ણય સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે અને કૃષિ ક્ષેત્રના માળખાકીય વિકાસને નવી દિશા આપશે.મંત્રીએ આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી અને કૃષિ, ખેડૂત કલ્યાણ મંત્રી જીતુભાઇ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.

