Gandhinagar,તા.૧૭
ગુજરાત ભાજપમાં આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ રાજ્યના મંત્રીઓનો જે ’ક્લાસ’ લીધો હતો, તેના ગણતરીના દિવસોમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રદેશ ભાજપ કાર્યાલય ’કમલમ’ ખાતે મોવડીઓ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ અને ગુપ્ત બેઠક યોજતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં એક તરફ રથયાત્રાનો માહોલ હતો, ત્યારે બીજી તરફ બપોરના સમયે અમિત શાહે કોબા સ્થિત કમલમમાં સતત બે કલાક સુધી બંધબારણે મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠક એટલી ગુપ્ત હતી કે તેમાં શું ચર્ચા થઈ તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૭ના અંતે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે આગામી રણનીતિ પર ગંભીર મંથન કરવામાં આવ્યું છે.
આ બેઠકનું ટાઈમિંગ ઘણું સૂચક માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ૪થી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે હતા. સાણંદથી પરત દિલ્હી જતા પહેલા તેમણે અમદાવાદ એરપોર્ટ પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને મંત્રીપરિષદના સભ્યો સાથે પોણો કલાક સુધી બેઠક કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓને સરકાર અને વહીવટીતંત્રના અસરકારક સંચાલન માટે કડક સૂચનાઓ આપીને જાણે ’લેસન’ સોંપ્યું હતું. વડાપ્રધાનના આ કડક સંદેશના માત્ર ૧૨ જ દિવસમાં અમિત શાહે પ્રદેશના ટોચના મોવડીઓ સાથે બેઠક કરતા ભાજપના સામાન્ય કાર્યકરોમાં ભારે ઉત્સુકતા અને કૌતુક સર્જાયું છે.
એવી પણ ચર્ચા છે કે, કમલમના એક ખાસ કક્ષમાં મળેલી આ બેઠકમાં ગૃહમંત્રીએ તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં પક્ષનું પ્રદર્શન નબળું રહ્યું હતું, તેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ કરી છે. આ ઉપરાંત, પક્ષના સંગઠનને છેક બૂથ લેવલ સુધી સક્રિય કરીને અત્યારથી જ ચૂંટણીના મોડમાં આવી જવા આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે સરકાર અને સંગઠનને કામે લગાડવાની અને ભવિષ્યમાં ભવ્ય જીત મેળવવા માટેની જવાબદારીઓ વહેંચવાની રૂપરેખા આ બેઠકમાં ઘડાઈ હોવાનું મનાય છે.

