હવામાન નિષ્ણાતોની ચેતવણી હોવા છતાં સાબરમતી નદી પરના વાસણા બેરેજનું લેવલ ૧૩૪ ફૂટ સુધી રખાયું
Ahmedabad, તા.૨૪
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ સાંબેલાધાર વરસી રહેલા વરસાદે મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ તો સર્જી દીધી છે તેની સાથોસાથ આ વરસાદી પાણીના નિકાલ માટે મહાનગર મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી પાણી છોડાતા તેના હેઠવાસમાં આવેલા અને ફતેહવાડી કેનાલની આસપાસના વિસ્તારોમાં ભારે મોટી ઔદ્યોગિક આફત ઊભી થઇ છે. સાબરમતી નદી અને ફતેહવાડી કેનાલના પાણી આ વિસ્તારોમાં ફરી વળતાં સંખ્યાબંધ ફેક્ટરીઓ, ગોડાઉન, જોખમી પ્લાન્ટ્સમાં પાણી ઘુસી ગયા છે. આને કારણે મોટા નુકસાનની શક્યતાઓ જોવાઇ રહી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે, ઓછામાં ઓછું ૨૦૦ કરોડથી વધુનું નુકસાન થાય તેવી શક્યતા છે. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન ખાતા અને હવામાન નિષ્ણાતોની ચેતવણી હોવા છતાં સાબરમતી નદી પરના વાસણા બેરેજનું લેવલ ૧૩૪ ફૂટ સુધી રખાયું હતું. ગુરુવારે સવારથી મેઘરાજાની બેટિંગ શરૂ થતાં તાબડતોબ બેરેજના દરવાજા ખોલીને પાણીનું લેવલ ૧૨૪.૫૦ ફૂટ સુધી લવાયું હતું. આટલો મોટો પાણીનો જથ્થો એક સાથે છોડવાના કારણે સાબરમતીના હેઠવાસમાં ધોળકા અને આસપાસના ગામોમાં આ પાણી ફરી વળ્યા છે એની સાથોસાથ ફતેહવાડી કેનાલમાં પણ પાણી જતું હોવાથી આ કેનાલ ઊભરાઇ ગઇ હતી. આ બન્ને સ્ત્રોતમાંથી આવેલા વિપુલ જથ્થા અને આકાશી આફતના પાણી સરખેજથી સનાથલ, બાવળા, સાણંદ સુધીના પટ્ટામાં આવેલી ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ગારમેન્ટ, ટેક્સટાઇલ સહિતની ફેક્ટરીઓ, કારખાનાઓ, ગોડાઉનોમાં ફરી વળ્યા હતા. રાજકોટ-અમદાવાદ હાઇવે પર ઠેર ઠેર પાણી ભરાયા છે. આના કારણે આ વિસ્તારમાં ઔદ્યોગિક આફત ઊભી થઇ છે. કેટલીક મોટી કંપનીઓએ દહેશત વ્યક્ત કરી છે કે અમારા પ્લાન્ટ્સના અમુક યુનિટ ઘણાં સેન્સેટિવ છે અને એમાં પાણી જતું રોકવા માટે હાલ અમે પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ વરસાદની સ્થિતિ અને નદી, કેનાલમાંથી આવતા પાણીના પ્રવાહને જોતાં શુક્રવારે આ યુનિટમાં પાણી ઘૂસી જશે તો ઘણી મોટી તકલીફ થશે. પ્લાન્ટ્સ બંધ કરવા પડશે. બાવળા ઔદ્યોગિક વિસ્તારમાં ઝાયડસ, ફાર્મા સેઝ, ઇન્ટાસ, મેઘમણી, ગેલોપ્સ સહિતના ઔદ્યોગિક પાર્ક આવેલા છે. આ એકમોમાં પણ પાણી ભરાવાની સ્થિતિને જોતાં શુક્રવારે કેટલાક એકમોને કામકાજ બંધ રાખવા પડે એમ છે.

