બોપલમાં રસ્તા પર પરવાનગી વગર વીજ કનેક્શન ખેંચી થાંભલા પર બોર્ડ મૂકવું ભારે પડ્યું
Ahmedabad, તા.૨૨
શહેરના બોપલ વિસ્તારમાં આવેલી ‘દિવ્ય દર્શન’ અમૂલ પાર્લર દુકાનના માલિકની ગંભીર નિષ્કાળજી અને બેદરકારીના કારણે ૧૮ વર્ષના નિર્દોષ યુવકનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નિર્મલસિંહ અર્જુનસિંહ ગઢવીની કોર્ટે આરોપી દર્શીલ જગદીશભાઈ મોદી (રહે. બોપલ)ને દોષિત ઠેરવી ૧ વર્ષની સાદી કેદ અને રૂ. ૫,૦૦૦ના દંડની સજા ફટકારી છે.
આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ જાહેર જગ્યા પર અવરજવર કરતા અન્ય લોકોની સલામતી કે તકેદારી રાખ્યા સિવાય તેમજ વીજ કંપનીની પરવાનગી લીધા વિના લોકોનું જીવન જોખમમાં મુકાય તેવું કૃત્ય કરી શકે નહીં. જો કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરે અને તેનાથી અન્યનું મોત થાય તો તે બેદરકારીભર્યું કૃત્ય જ ગણાય. પોતાની દુકાનના ધંધાની જાહેરાત માટે કનેક્શન આપ્યું હોય ત્યારે અન્ય એજન્સીએ બોર્ડ લગાવ્યું હોવાના બહાના હેઠળ આરોપી પોતાની કાયદેસરની તકેદારી અને જવાબદારીમાંથી છટકી શકે નહીં.
એક સામાન્ય સમજ અને બુદ્ધિમત્તા ધરાવતી વ્યક્તિ પાસે જે યોગ્ય તકેદારીની અપેક્ષા રાખવામાં આવે છે, તે મુજબ વર્તન ન થાય ત્યારે તે બેદરકારી છે. તમામ સંભાળ અને પૂરતી સાવચેતી રાખવા છતાં અણધાર્યો બનાવ બની જાય તેને જ અકસ્માત ગણાવી શકાય. આ કેસમાં સાવચેતીનો સદંતર અભાવ હતો.બોપલ દેના બેંક વાળી ગલીમાં જે.બી. પાર્ક ખાતે આરોપી દર્શીલ મોદી અમૂલ પાર્લર ચલાવતો હતો. તેણે પોતાની દુકાનની જાહેરાત માટે જાહેર રસ્તા પર લોખંડનો થાંભલો ઊભો કરી, વીજ કંપનીની કોઈ પણ પરવાનગી લીધા વગર દુકાનમાંથી ગેરકાયદે વીજ વાયર ખેંચીને બોર્ડમાં લાઈટિંગ કર્યું હતું. ૦૬ જુલાઇ ૨૦૨૦ના રોજ સાંજના સમયે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો.
તે સમયે ગોવિંદ નામનો ૧૮ વર્ષીય યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ગેટ પાસેથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે તેણે આ લોખંડના થાંભલાને પકડતા જ વરસાદી પાણીના કારણે થાંભલામાં ઉતરેલા તીવ્ર વીજ કરંટથી ચોંટી ગયો હતો. આજુબાજુના લોકોએ તેને સાવરણીથી છોડાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. અંતે પાડોશીએ બૂમ પાડતા આરોપી દર્શીલે દુકાનમાંથી વીજ સ્વીચ બંધ કરતા યુવક નીચે પડ્યો હતો, પરંતુ હોસ્પિટલ લઈ જતા તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે દર્શીલ સામે ફિયાદ નોંધી ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ હેમુ જે. શુક્લાએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપી દર્શીલ મોદીએ પોતાની ‘દિવ્ય દર્શન’ અમૂલ પાર્લર દુકાનમાંથી વીજ કંપનીની પરવાનગી મેળવ્યા વિના ગેરરીતે વીજ વાયર ખેંચ્યો હતો.
જાહેર રસ્તા પર લોકોની અવરજવરનો વિચાર કર્યા વગર, લોખંડના થાંભલા પર પી.વી.સી. પાઇપ કે અન્ય સુરક્ષાની વ્યવસ્થા કર્યા વિના જાહેરાતનું બોર્ડ લગાવ્યું હતું. આરોપીના આ બેદરકારીભર્યા કૃત્યના કારણે લોખંડના થાંભલામાં કરંટ આવતા ૧૮ વર્ષના ગોવિંદનું ઈલેક્ટ્રિક શોક લાગવાથી મોત નીપજ્યું હતું, જેથી આરોપી સામે ૈંઁઝ્ર કલમ ૩૦૪(એ) મુજબનો ગુનો નિઃશંકપણે પુરવાર થાય છે. ત્યારે દાખલો બેસાડવા સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને એક વર્ષ કેદની સજા ફટકારી છે.

