Surendaranagar, તા.27
ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર કલ્પના ચોકડી નજીક ડિટરજન્ટ ભરેલા એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રકમાં ભરેલો સમગ્ર માલસામાન બળીને ખાક થઈ ગયો હતો.
માલવણ તરફથી કચ્છ તરફ જઈ રહેલા આ ટ્રકમાંથી અચાનક ધુમાડા અને આગની જ્વાળાઓ ઉઠતા આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના દર્શન પરમાર અને જયદીપભાઈ સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે વધુ નુકસાન અટકાવી શકાયું હતું.
આગ લાગવાના કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ પોલીસ વિભાગે ટ્રાફિક વ્યવસ્થિત કરીને વાહનવ્યવહાર પૂર્વવત શરૂ કરાવ્યો હતો. ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

