તમામ મુસાફરો ઉતર્યા બાદ પણ યુવક ન ઊઠતાં કંડક્ટરે તપાસ કરતા મામલો સામે આવ્યો
Ahmedabad,તા.૨૭
મોરબી બસ સ્ટેન્ડ ખાતે એક ચકચારી ઘટના સામે આવી છે. મોડાસાથી મોરબી પહોંચેલી એક એસટી બસમાંથી એક યુવક રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતા બસ સ્ટેન્ડ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
ઘટનાની મળતી માહિતી અનુસાર, મોડાસાથી ઉપડીને મોરબી પહોંચેલી એસટી બસ બસ સ્ટેન્ડ પર આવીને ઊભી રહી હતી. બસમાં સવાર તમામ મુસાફરો એક પછી એક નીચે ઉતરી ગયા હતા, પરંતુ એક યુવાન પોતાની સીટ પરથી ઊભો થયો ન હતો. એસટી બસના કંડક્ટરે તેને ઉતારવા માટે જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકમાં કોઈ હલચલ ન જણાતાં કંડક્ટરને શંકા ગઈ હતી. તપાસ કરતા આ યુવક મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.
પ્રાથમિક વિગતો મુજબ, આ મૃતક પેસેન્જર અમદાવાદથી બસમાં બેઠો હોવાની માહિતી મળી રહી છે. મુસાફરી દરમિયાન જ કોઈ અગમ્ય કારણોસર તેનું મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યુવકનું મોત હાર્ટ એટેકથી થયું છે કે અન્ય કોઈ કારણસર, તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ મૃતક યુવકની ઓળખ છતી કરવા અને તેના પરિજનોનો સંપર્ક કરવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

