Ahmedabad,તા.૨૮
Ahmedabadના ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા સાબરમતી-કટોસણ રોડ મેમુ ટ્રેનને ચાંદખેડા રોડ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬થી અમલી બનેલી આ સુવિધાથી દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક કર્મચારીઓ અને બેચરાજી માતાનાં દર્શને જતા શ્રદ્ધાળુઓને લાભ થશે. અમદાવાદના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ અને અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી હતી.
સાબરમતી અને કટોસણ રોડ વચ્ચે દોડતી મેમુ ટ્રેનના બંને દિશામાં સ્ટોપેજ શરૂ કરવામાં આવ્યા છે. ટ્રેન નંબર ૬૯૨૫૦ કટોસણ રોડથી સાબરમતી જતી વખતે સવારે ૯ઃ૪૦ વાગ્યે ચાંદખેડા રોડ સ્ટેશન પર પહોંચશે અને ૯ઃ૪૧ વાગ્યે ઉપડશે.
જ્યારે ટ્રેન નંબર ૬૯૨૪૯ સાબરમતીથી કટોસણ રોડ જતી વખતે સાંજે ૫ઃ૨૭ વાગ્યે ચાંદખેડા રોડ સ્ટેશન પર પહોંચશે અને ૫ઃ૨૮ વાગ્યે પ્રસ્થાન કરશે. આ નવા સ્ટોપેજથી ચાંદખેડા અને આસપાસના વિસ્તારોના લોકોને રેલવે મુસાફરીનો વધુ અનુકૂળ વિકલ્પ મળશે.
ચાંદખેડા રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજથી સાબરમતી, કલોલ, કડી અને કટોસણ રોડ તરફ મુસાફરી કરતા લોકોને ફાયદો થશે. ખાસ કરીને દરરોજ નોકરી કે અભ્યાસ માટે મુસાફરી કરતા લોકો માટે આ સુવિધા ઉપયોગી બનશે. આ ઉપરાંત બેચરાજી માતાના મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને પણ રેલવે કનેક્ટિવિટીનો લાભ મળશે. બેચરાજી અને મારુતિના ઔદ્યોગિક વિસ્તાર સહિત આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ અવરજવર સરળ બનાવવાની દિશામાં આ પગલું મહત્ત્વનું માનવામાં આવે છે.
Ahmedabadના ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે જણાવ્યું હતું કે ચાંદખેડા રોડ સ્ટેશન પર મેમુ ટ્રેનનું સ્ટોપેજ ગ્રેટર અમદાવાદના વિકાસ તરફનું મહત્ત્વપૂર્ણ પગલું છે. સ્ટેશનના વિકાસ અને રોડ કનેક્ટિવિટી સુધારવા માટે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી સ્ટેશનને અમદાવાદના શહેરી પરિવહન નેટવર્ક સાથે વધુ સારી રીતે જોડવામાં આવે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ, ગુજરાત મેટ્રો અને ભારતીય રેલવે દ્વારા સંયુક્ત સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં વિવિધ વિસ્તારોની વસ્તી અને ભવિષ્યમાં થનારા શહેરી વિસ્તારના વિસ્તરણને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. તેના આધારે પરિવહન નેટવર્કને વધુ મજબૂત બનાવવાની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રકારની સુવિધાઓથી રસ્તા પરના ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં અને દૈનિક મુસાફરી વધુ સરળ બનાવવામાં મદદ મળી શકે છે.

