New Delhi તા.28
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન ચાલું રહ્યું છે. મહિલાઓની પેરા શોટ પુટ F57 ઇવેન્ટમાં ભારતની શર્મિલા ધનખડે દેશને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેણે 9.81 મીટરના સીઝન બેસ્ટ થ્રો સાથે આ સિદ્ધિ મેળવી છે. આ સાથે જ ભારતના કુલ મેડલની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે અને ભારત મેડલ ટેલીમાં આઠમાં સ્થાને છે.
શર્મિલા ધનખડનો સુવર્ણ થ્રો અને સંઘર્ષની કહાની :-
હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાનાં ચિત્રોલી ગામની 34 વર્ષીય શર્મિલા ધનખડે આર્થિક અને શારીરિક પડકારોને માત આપીને આ ગોલ્ડ મેડલ જીત્યો છે. 2 વર્ષની ઉંમરે પોલિયોનો ભોગ બન્યાં બાદ અને નાની ઉંમરે લગ્ન થયાં પછી પણ તેમણે હિંમત હારી નહોતી. 2023માં ટ્રેનિંગનો ખર્ચ કાઢવા માટે તેમણે પોતાનું ઘર પણ વેચી દીધું હતું. પોતાના બીજા પતિ અજીતના પ્રોત્સાહનથી તેમણે પેરા એથ્લેટિક્સમાં કારકિર્દી બનાવી અને આજે દેશનું નામ રોશન કર્યું.
ડ્રામા બાદ શિલ્પા શાયલાને બ્રોન્ઝ મેડલ :-
આ જ ઇવેન્ટમાં ભારતની શિલ્પા કે. શાયલાએ 7.26 મીટરના વૈયક્તિક શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શરૂઆતમાં નાઇજીરિયાની ખેલાડીને બ્રોન્ઝ અપાયો હતો, પરંતુ ભારતની વિરોધ નોંધાવવાની અપીલ બાદ અધિકારીઓએ નાઇજીરિયન ખેલાડીના થ્રોને ફાઉલ જાહેર કર્યો હતો અને શિલ્પાને બ્રોન્ઝ મેડલ એનાયત થયો હતો.
હાઇ જમ્પમાં સર્વેશ કુશારેનો ઐતિહાસિક સિલ્વર :-
મહારાષ્ટ્રના નાસિકના સર્વેશ કુશારેએ પુરુષોની હાઇ જમ્પ ફાઇનલમાં 2.25 મીટરની કૂદકો લગાવીને સિલ્વર મેડલ જીત્યો છે. તે કોમનવેલ્થ ગેમ્સની હાઇ જમ્પમાં સિલ્વર જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. બાળપણમાં ખેતરમાં મકાઈના ફોતરાં અને કપાસથી કામચલાઉ લેન્ડિંગ પિટ બનાવીને પ્રેક્ટિસ કરનાર સર્વેશે અગાઉ ડાયમંડ લીગ અને નેશનલ રેકોર્ડમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે.
વેઇટલિફ્ટિંગમાં ભારતનો દબદબો: જ્ઞાનેશ્વરી અને અજય બાબુને સિલ્વર, બિંદિયારાનીને બ્રોન્ઝ :-
વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય લિફ્ટર્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખ્યું છે:
અજય બાબુ વલ્લુરી (79 કિલો): કુલ 330 કિલો (149+181) વજન ઊંચકીને સિલ્વર મેડલ જીત્યો. સ્નેચમાં 149 કિલો ઊંચકીને તેણે નવો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો હતો. ગોલ્ડ મેડલ જીતનાર મલેશિયાના ખેલાડીથી તે માત્ર 1 કિલો પાછળ રહી ગયો હતો.
જ્ઞાનેશ્વરી યાદવ (53 કિલો): છત્તીસગઢના રાજનાંદગામની જ્ઞાનેશ્વરી યાદવે સ્નેચમાં 88 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિલો સાથે કુલ 199 કિલો વજન ઊંચકીને સિલ્વર મેડલ જીત્યો. તેણે સ્નેચ અને કુલ વજનમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યાં છે.
બિંદિયારાની દેવી (58 કિલો): મણિપુરની બિંદિયારાની દેવીએ કુલ 199 કિલો (83 સ્નેચ + 112 ક્લીન એન્ડ જર્ક) વજન ઊંચકીને બ્રોન્ઝ મેડલ પોતાનાં નામે કર્યો. કોમનવેલ્થ ગેમ્સમાં આ તેનો સતત બીજો મેડલ છે (2022માં સિલ્વર જીત્યો હતો).
બોક્સિંગ અને અન્ય રમતો :-
બોક્સિંગ: 60 કિલો વર્ગમાં સચિન સિવાચે ઇંગ્લેન્ડના વિલિયમ હેવિટને 4-1થી અને 80 કિલો વર્ગમાં અંકુશ પંચાલે એન્ટિગુઆના જાલાન જાનને 5-0થી હરાવીને ક્વોર્ટર ફાઇનલમાં (મેડલની નજીક) પ્રવેશ કર્યો છે. સાક્ષી ચૌધરીએ (51 કિલો) પણ ક્વોર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
એથ્લેટિક્સ અને સ્વિમિંગ: 110 મીટર હર્ડલ્સમાં તેજસ શિરસે 8મા સ્થાને રહ્યાં. સ્વિમિંગની 800 મીટર ફ્રીસ્ટાઇલમાં આર્યન નેહરા 7મા અને 200 મીટર બટરફ્લાયમાં સાજન પ્રકાશ 8મા સ્થાને રહ્યાં.
જીમનાસ્ટિક્સ: વોલ્ટ સ્પર્ધાની ફાઇનલમાં ભારતની પ્રતિષ્ઠા સાચંતા 12.883ના સ્કોર સાથે 7મા સ્થાને રહી હતી.
ભારતીય મેડલ ટેલીની સ્થિતિ :-
હાલમાં ભારત 2 ગોલ્ડ અને 5 સિલ્વર સહિત એકંદર 10 મેડલ સાથે તાલિકામાં 8મા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 26 ગોલ્ડ સાથે પ્રથમ સ્થાને છે. વેઇટલિફ્ટિંગમાં ભારતને અત્યાર સુધીમાં સૌથી વધુ 6 મેડલ મળ્યાં છે.

