New Delhi, તા. 29
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ના છઠ્ઠા દિવસે ભારત માટે ડબલ ખુશી આવી. ભારતનાં લોંગ-ડિસ્ટન્સ સ્ટાર ગુલવીર સિંહે પુરુષોની 10000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. આ સ્પર્ધામાં મેડલ જીતનાર તેઓ પ્રથમ ભારતીય બન્યાં. થોડા જ કલાકો બાદ મહિલા વેઈટલિફ્ટર હરજિંદર કૌરે પણ 69 કિગ્રા વર્ગમાં સિલ્વર જીતીને દેશનું ગૌરવ વધાર્યું.
ગુલવીર સિંહે ભારે વરસાદ અને ભીના ટ્રેક વચ્ચે પણ હિંમત ન હારી. સ્કોટસ્ટાઉન સ્ટેડિયમમાં છેલ્લા લેપમાં શાનદાર દોડ લગાવીને તેમણે 27ઃ49.78 નો સમય નોંધાવ્યો અને ઓસ્ટ્રેલિયાનાં કાઈ રોબિન્સન પછી બીજા સ્થાને રહ્યાં.
ઉત્તર પ્રદેશના સિરસા ગામનાં રહેવાસી અને સેનાના નાયબ સુબેદાર ગુલવીરના નામે 5000 મીટર, 10000 મીટર, 1 માઈલ અને હાફ મેરેથોનના રાષ્ટ્રીય રેકોર્ડ છે. તેઓ 4 મિનિટથી ઓછા સમયમાં 1 માઈલ દોડનાર પ્રથમ ભારતીય પણ છે.
વેઈટલિફ્ટિંગમાં હરજિંદર કૌરે પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું. તેમણે સ્નેચમાં 101 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 126 કિગ્રા એમ કુલ 227 કિગ્રા વજન ઉઠાવીને રજત પદક જીત્યું. આ તેમનાં કરિયરનું બેસ્ટ પ્રદર્શન હતું. ગોલ્ડ કનાડાની શાર્લેટ સિમોન્યુએ 235 કિગ્રા સાથે નવો ગેમ્સ રેકોર્ડ બનાવીને જીત્યો, જ્યારે બ્રોન્ઝ ઓસ્ટ્રેલિયાની ફીબે હેમેનને 218 કિગ્રા સાથે મળ્યો.
આ બંને સિલ્વર સાથે ભારતનાં કુલ મેડલની સંખ્યા 12 પર પહોંચી ગઈ. આ પહેલાં મહિલા વેઈટલિફ્ટિંગમાં મેડલ આવ્યો હતો. બોક્સિંગમાંથી પણ સારા સમાચાર છે. પ્રીતિ પવાર, પ્રિયા ઘાંઘસ અને જાદુમાની સિંહના સેમિફાઈનલમાં પહોંચવાથી ભારત માટે ઓછામાં ઓછા 3 મેડલ વધુ પાક્કા થઈ ગયા છે.
કેન્યા અને યુગાન્ડા જેવા લોંગ-ડિસ્ટન્સમાં મજબૂત દેશો આ વખતે 10000 મીટરમાં પોડિયમ સુધી પણ ન પહોંચી શક્યા, જેનાથી ગુલવીરની સિદ્ધિનું મહત્વ વધુ વધી ગયું. ભારતીય એથ્લીટોનું આ પ્રદર્શન દર્શાવે છે કે દેશ રમતોમાં સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.

