સંચાલક સહિત સાત શખ્સો ઝડપાયા, રૂ. ૧૨.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૦
જામજોધપુર પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે માધવ રોડ પર વસ્તપુરના પાટિયા પાસે આવેલી એક હોટલના રૂમ નં. ૨૦૭માં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન હોટલ સંચાલક કેતનભાઈ જમનભાઈ માકડીયા, દીપકભાઈ જેંતીભાઈ ભોજાણી, કિરણભાઈ ઉર્ફે કારીયો મનસુખભાઈ માકડીયા, બિપીનભાઈ વિઠ્ઠલભાઈ દલસાણીયા, કેતનભાઈ જેંતીભાઈ કાલરીયા, હિરેનભાઈ જમનભાઈ માકડીયા અને દિનેશભાઈ શાંતિલાલ કનેરીયા સહિત કુલ સાત શખ્સો ગંજીપત્તાના પાનાં વડે ’તીન પત્તી’નો પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, ગંજીપત્તાના પાનાં, સાત મોબાઇલ ફોન તેમજ બે કાર સહિત કુલ રૂ. ૧૨,૪૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીઓમાં કેતનભાઈ જમનભાઈ માકડીયા જુગારનો અખાડો ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાત આરોપીઓ પૈકી બિપીનભાઈ વિઠ્ઠલભાઈ દલસાણીયા અને દિનેશભાઈ શાંતિલાલ કનેરીયા વરિષ્ઠ નાગરિક હોવાથી તેમને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૩) મુજબ નોટિસ આપવામાં આવી હતી, જ્યારે કેતનભાઈ જમનભાઈ માકડીયા, દીપકભાઈ જેંતીભાઈ ભોજાણી, કિરણભાઈ ઉર્ફે કારીયો મનસુખભાઈ માકડીયા, કેતનભાઈ જેંતીભાઈ કાલરીયા અને હિરેનભાઈ જમનભાઈ માકડીયાની અટકાયત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

