ટ્રાન્સપોર્ટરને માથામાં ટાંકા આવ્યા, ત્રણ શખસોએ પકડી રાખી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૭ઃ
Jamnagarના હિંગળાજ ચોકમાં ઓધવરામ ટી-સ્ટોલ પાસે દુકાન સામે બેસવાની ના પાડતાં ચાર શખસોએ ટ્રાન્સપોર્ટર પર હુમલો કર્યાની ફરિયાદ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હુમલાખોરોમાંથી એક શખસે લોખંડના પાઇપ વડે ટ્રાન્સપોર્ટરના માથા અને જમણા પગમાં ઘા ઝીંક્યા હતા, જ્યારે અન્ય ત્રણ શખસોએ તેમને પકડી રાખી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઇજાગ્રસ્ત ટ્રાન્સપોર્ટરને માથામાં ટાંકા લેવા પડ્યા હતા.પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, જામનગરમાં પાણીના ટાંકા પાસે વાલદાસ એપાર્ટમેન્ટ પાછળ રહેતા અને બજરંગ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મહેશભાઈ ખેતશીભાઈ હરવરા (ઉ.વ. ૪૭) ગત તા. ૨૬ના રોજ બપોરે પોતાની કાર લઈને ઘરે જતા હતા ત્યારે રસ્તા પર ખુશાલ જીતેન્દ્રભાઈ ગૌસ્વામી પોતાનું એક્સેસ મોટરસાઇકલ તેમની કાર પાસેથી આગળ લઈ જઈ ઊભું રાખતાં રસ્તા પર ટ્રાફિક થયો હતો. આથી મહેશભાઈએ પોતાની કાર ઊભી રાખી હતી. જોકે, સમજાવટ બાદ ખુશાલ મોટરસાઇકલ લઈને ત્યાંથી જતો રહ્યો હતો.
ત્યારબાદ સાંજે પોણા પાંચેક વાગ્યે મહેશભાઈ હિંગળાજ ચોકમાં ઓધવરામ ટી-સ્ટોલ પાસે બેઠા હતા ત્યારે ખુશાલ જીતેન્દ્રભાઈ ગૌસ્વામી, ચિરાગ મહેન્દ્ર કટારમલ, લખન ભગવાનદાસ મેંગર અને હિરેન કિશોરભાઈ ગૌસ્વામી બે મોટરસાઇકલ પર ત્યાં આવ્યા હતા. ફરિયાદ મુજબ, ખુશાલ પાસે છરી હતી, ચિરાગ પાસે લોખંડનો પાઇપ હતો, જ્યારે લખન અને હિરેન પાસે પણ છરીઓ હતી.
આ ચારેય શખસોએ મહેશભાઈને તેમની દુકાન સામે જ બેસવાના હોવાનું જણાવી, દુકાન વેચી નાખવા સુધીની ધમકી આપી હતી. ત્યારબાદ ચિરાગે લોખંડના પાઇપ વડે મહેશભાઈના માથામાં અને જમણા પગમાં ઘા ઝીંક્યા હતા. બીજી તરફ, ખુશાલ, લખન અને હિરેનએ તેમને પકડી રાખી રસ્તા પર પછાડી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો ભાંડી હતી. આ દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને મહેશભાઈના કુટુંબી રાજેશભાઈ ગોપાલભાઈ હરવરાએ તેમને હુમલાખોરોના સકંજામાંથી છોડાવ્યા હતા. લોકો ભેગા થઈ જતાં ચારેય શખસો ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત મહેશભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમના મિત્ર કિરીટભાઈ મંગે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. માથામાં ઇજા થતાં ટાંકા આવ્યા બાદ રજા મળતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચારેય શખસો અવારનવાર તેમની દુકાન સામે વાહન પર બેસતા અને પાનની પિચકારીઓ મારતા હોવાથી તેમને ત્યાં બેસવાની ના પાડવામાં આવતી હતી. આ બાબતનો ખાર રાખીને હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ચારેય શખસો સામે મારામારી, ધમકી અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

