(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૭ઃ
Jamnagar જિલ્લાના લાલપુર તાલુકાના મેધનુ ગામના પાટિયા પાસે સર પી.એન. રોડ પર ટ્રકની ટક્કરથી બાઇક પર સવાર શ્રમિકની પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઇક ચલાવતા પતિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ટ્રકના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના જકેલા ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના પીપળી ગામે ઇંટોના કારખાનામાં રહી મજૂરી કરતા ગુમાનસિંગ સોમલા ભાભોર (ઉં.વ. ૩૫) તા. ૨૬ ઓક્ટોબરના રોજ સવારે આશરે સાત વાગ્યે પત્ની વસંતી (ઉં.વ. ૩૫) સાથે પોતાના મુકાદમની માલિકીની હીરો સુપર સ્પ્લેન્ડર બાઇક લઈને નવાગામ ખાતે મજૂરી કામે જવા નીકળ્યા હતા. સવારે સાડા સાતેક વાગ્યે મેધનુ ગામના પાટિયા સામે આવેલા જિયો કંપનીના પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવ્યા બાદ તેઓ સર પી.એન. રોડ પર આગળ વધી રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા જીજે-૧૦-ડબલ્યુ-૫૩૭૬ નંબરના ટ્રકે તેમની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
ટ્રકની ટક્કરથી પતિ-પત્ની બાઇક સાથે રોડ પર પટકાયાં હતાં. આ દરમિયાન વસંતી ટ્રકની નીચે આવી જતાં તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે ગુમાનસિંગને જમણા ઘૂંટણ અને જમણા ગાલ પર સામાન્ય છોલછાલની ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં તેમની સાથે આગળ નીકળેલા મુકાદમના પુત્ર અને ગુમાનસિંગના પુત્ર સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક વસંતી અને ગુમાનસિંગને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. જેમાં સૌથી મોટો પુત્ર ૧૨ વર્ષનો, બીજો પુત્ર ૧૦ વર્ષનો, પુત્રી ૮ વર્ષની અને સૌથી નાનો પુત્ર માત્ર ૩ વર્ષનો છે. માતાના અચાનક મોતથી ચારેય સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે ગુમાનસિંગની ફરિયાદના આધારે ટ્રકચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧ અને ૧૦૬(૧) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

