Ahmedabad, તા. 3
ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવાની પ્રક્રિયા હવે વધુ ઝડપી બનવા જઈ રહી છે. રાજ્ય સરકારે `ગુજરાત જમીન મહેસૂલ કાયદા’ની કલમ 135-ડી (Section 135D) હેઠળ જમીનની મ્યુટેશન (હક્ક પત્રક) એન્ટ્રીઓ મંજૂર કરવા માટે એક નવી વ્યવસ્થા રજૂ કરી છે.
મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કોઈ પણ વિવાદ વગરનાં યોગ્ય કિસ્સાઓમાં ફરજિયાત 30 દિવસનાં પ્રતીક્ષા સમયગાળાને દૂર કરીને તે જ દિવસે (Same-day) મંજૂરી આપવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે.
આ નવી સુધારેલી સિસ્ટમ હેઠળ, ખરીદદારોએ સ્વ-ઘોષણાપત્ર (સેલ્ફ-ડિકલેરેશન) રજૂ કરવું પડશે, જેમાં તેઓ કાયદેસર રીતે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માટે પાત્ર છે તે બાબતની પુષ્ટિ કરવાની રહેશે.
આ ઘોષણાપત્રમાં જણાવવું પડશે કે ખરીદનાર બિન-ખેડૂત નથી, જ્યાં લાગું પડતું હોય ત્યાં છેલ્લાં 25 વર્ષથી ખેડૂત છે અને હાલની જમીનની વિગતો દર્શાવવાની રહેશે. સરકારે ચેતવણી આપી છે કે ખોટાં ઘોષણાપત્રો અથવા બનાવટી દસ્તાવેજો રજૂ કરનાર સામે ગુનાહિત કાર્યવાહી કરવામાં આવશે. મ્યુટેશન અરજીઓનો નિકાલ હવે બે અલગ-અલગ ચેનલ દ્વારા કરવામાં આવશે. જેમાં ‘0-ડે ચેનલ’ હેઠળ એવા કિસ્સાઓ તરત જ મંજૂર કરવામાં આવશે.
જેમાં તમામ ખરીદદારોએ જરૂરી સ્વ-ઘોષણાપત્ર આપ્યું હોય, છેલ્લાં એક વર્ષમાં જમીનના રેકોર્ડમાં કોઈ ફેરફાર ન થયો હોય, વેચાણ દસ્તાવેજ પર તમામ હિતધારકોની સહી હોય અને મિલકત કોઈપણ પ્રકારના કાનૂની વિવાદ કે કેસથી મુક્ત હોય.
જે અરજીઓ આ શરતો પૂરી નહીં કરે – જેમાં સ્વ-ઘોષણાપત્ર ન આપ્યું હોય અથવા કાનૂની વિવાદ પેન્ડિંગ હોય – તેને 7 દિવસની નોટિસ ચેનલ મારફતે આગળ વધારવામાં આવશે. જો આ સાત દિવસનાં સમયગાળા દરમિયાન કોઈ વાંધો ઉઠાવવામાં આવશે, તો આ મામલો આખરી નિકાલ માટે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (પ્રાંત અધિકારી) પાસે મોકલવામાં આવશે.

