આરોપીએ પ્રથમ હત્યા માત્ર ૧૩ વર્ષની નાની ઉંમરે કરી હતી અને અત્યાર સુધીમાં કુલ ૮૦ લોકોને મોતને ઘાટ ઉતાર્યા
Brazil, તા.૧૮
Brazilમાં પોલીસને થાપ આપવા માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ડઝનબંધ હત્યાઓના શંકાસ્પદ આરોપીએ ધરપકડથી બચવા સ્ત્રીનો વેશ ધારણ કરી લીધો હતો. ૩૩ વર્ષીય જોરલાન અલ્વેસ દા સિલ્વા નામના આ શખ્સને પોલીસે મહિલાના કપડાંમાં ભાગવાનો પ્રયાસ કરતી વખતે ઝડપી પાડ્યો છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પોતાના જીવનમાં અંદાજે ૮૦ લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે અને આ દાવાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, આ ઘટના બ્રાઝિલના ઉત્તર-પૂર્વીય રાજ્ય પૈરાઈબાની છે. ધરપકડ વખતે જોરલાને પટ્ટાવાળો ડ્રેસ પહેર્યો હતો, માથા પર લાંબા કાળા વાળની વિગ લગાવી હતી તેમજ મહિલાઓના સેન્ડલ, કાળા ચશ્મા અને નેલ પોલીશ પણ લગાવી રાખી હતી. એટલું જ નહીં, ઓળખ છુપાવવા તે પોતાની સાથે લગભગ ૨ વર્ષના બાળકને લઈને ફરી રહ્યો હતો.
પોલીસે જેવી તેના માથા પરથી વિગ હટાવી કે તરત જ તેની અસલી ઓળખ સામે આવી ગઈ હતી. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે તે બાળક કોનું હતું અને તેની પાસે કેવી રીતે આવ્યું.આ ધરપકડ પહેલાં પોલીસે જોરલાન અને તેના સાથીઓની એક કારને અટકાવીને તલાશી લીધી હતી. તે સમયે એક સાથી પકડાઈ ગયો હતો, પરંતુ જોરલાન ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ તેની પાછળ પડી હતી અને આખરે પોતાની ઓળખ છુપાવવા મહિલા બનેલા આ સિરિયલ કિલરને પોલીસે દબોચી લીધો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, જોરલાન સંગઠિત ગુનાખોરી સાથે સંકળાયેલી ગેંગ માટે સોપારી લઈને હત્યાઓ કરતો હતો. છેલ્લા માત્ર ૩ મહિનામાં જ ઓછામાં ઓછી ૧૫ હત્યાઓમાં તેનું નામ સામે આવ્યું છે.
પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેણે પ્રથમ હત્યા માત્ર ૧૩ વર્ષની નાની ઉંમરે કરી હતી અને અત્યાર સુધીમાં કુલ ૮૦ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. જોકે, પોલીસ હાલ તેના આ દાવાની સચ્ચાઈ ચકાસી રહી છે.તપાસ દરમિયાન ૧ ઓગસ્ટના રોજ રિયો તિંતોમાં થયેલી ૨ વેપારીઓની હત્યાના કેસમાં પણ મહત્વના પુરાવા મળ્યા છે. પોલીસ અધિકારી ડગલસ ગાર્સિયાના જણાવ્યા મુજબ, આરોપી પોલીસ ટીમને એ જગ્યાએ લઈ ગયો હતો જ્યાં એક મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો. જો તેના દ્વારા કરાયેલો ૮૦ હત્યાઓનો દાવો સાબિત થશે, તો તે બ્રાઝિલના ગુનાહિત ઇતિહાસનો સૌથી મોટો અને ભયાનક કેસ બની જશે. અગાઉ પેડ્રો રોડ્રિગ્સ ફિલ્હો નામના ગુનેગારને ૭૧ હત્યાઓ માટે દોષિત ઠેરવાયો હતો. હાલ પોલીસ તેના સમગ્ર ગુનાહિત ઈતિહાસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

