સાવજ હોય તો શું થયું ? પશુ મારો પરિવાર છે!
ગીરના માલધારીઓની સાવજ સાથેની સહઅસ્તિત્વની અનોખી ઝલક,સિંહણ શિકાર કર્યા વિના પરત ફરી, સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૮ઃ
ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓ માટે સાવજ કોઈ અજાણ્યો કે માત્ર ખતરનાક વન્યપ્રાણી નથી, પરંતુ વર્ષોથી સાથે જીવાતા જંગલના સહવાસી તરીકે પણ તેને જોવામાં આવે છે. ગીરના માલધારીઓ અને સિંહ વચ્ચેના આ અનોખા સહઅસ્તિત્વની વધુ એક ઝલક ધારી તાલુકાના ગઢીયા ચાવંડ ગામ નજીક જોવા મળી હતી. શિકારની શોધમાં આવેલી સિંહણ અને પશુઓના ટોળા વચ્ચેની સ્થિતિ વણસે તે પહેલાં જ એક પશુપાલક પોતાના પશુઓને બચાવવા સિંહણની સામે અડીખમ ઉભો રહી ગયો હતો.
આ બનાવમાં મળતી માહિતી મુજબ, ધારી તાલુકાના ગઢીયા ચાવંડ ગામ નજીક ગઈકાલે પશુપાલક પોતાના પશુઓને ચરાવવા માટે થઈ સાથે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન શિકારની શોધમાં આવેલી એક સિંહણની નજર પશુઓના ટોળા તરફ પડી હતી. સિંહણ ધીમે ધીમે શિકાર તરફ આગળ વધતી હતી. અને બીજી તરફ પશુપાલકને પરિસ્થિતિનો અંદાજ આવી ગયો હતો. અને સિંહણ શિકાર ઉપર તૂટી પડે તે પહેલાં જ માલધારી વચ્ચે આવી ગયો હતો.
પશુપાલકે પોતાના પશુઓને બચાવવા માટે સિંહણને રસ્તો છોડીને દૂર જવા માટે હટાવવાના અનેક પ્રયાસો કર્યા હતા. જો કે, સિંહણ પણ જાણે રસ્તો છોડવા તૈયાર ન હોય તેમ પશુપાલકની સામે જ બેસી ગઈ હતી. એક તરફ શિકારની તક શોધતી સિંહણ અને બીજી તરફ પોતાના પશુઓને પરિવારના સભ્યોની જેમ સાચવતો માલધારીબંને સામસામે આવી જતા રોમાંચક દૃશ્ય સર્જાયું હતું.
સિંહણને પોતાની સામે બેઠેલી જોઈને પશુપાલકના નાના પશુઓ પણ પાછળની તરફ ખસી ગયા હતા. પશુપાલક સતત સિંહણને રસ્તા પરથી હટાવવાના પ્રયાસ કરતો રહ્યો હતો. પરંતુ સિંહણ પોતાની જગ્યાએથી હટી ન હતી. આવી સ્થિતિમાં પોતાના પશુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આખરે પશુપાલકે વધુ જોખમ લેવાને બદલે પશુઓને લઈને પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
આ સમગ્ર ઘટનામાં સૌથી નોંધપાત્ર બાબતએ રહી કે પશુપાલકના કારણે સિંહણને શિકાર કરવાની તક મળી ના હોતી. શિકાર માટે આવેલી સિંહણને અંતે શિકાર કર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. સિંહણ, શિકાર અને માલધારી આમનેસામને આવી ગયેલી આ સમગ્ર ઘટના નજીકથી મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી.
ગીર વિસ્તારમાં માલધારીઓ અને સિંહો વચ્ચે વર્ષોથી એક પ્રકારનું સહઅસ્તિત્વ જોવા મળે છે. જંગલ અને જંગલની આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા માલધારીઓ સિંહોની હાજરીથી પરિચિત છે. અને સાવજની ચાલ-ઢાલને પણ ઓળખે છે. જોકે, સિંહ વન્યપ્રાણી હોવાથી તેની નજીક જવું કે તેને ઉશ્કેરવું જોખમી બની શકે છે. આ ઘટનામાં પણ પશુપાલકે અંતે પોતાના પશુઓને લઈને સ્થળ છોડ્યું હતું.
આ ઘટનાનો મોબાઈલ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સિંહણ રસ્તા પર બેઠેલી અને સામે પશુપાલક પોતાના પશુઓ સાથે ઊભેલો જોવા મળે છે. સિંહણને હટાવવાના પ્રયાસો છતાં તે રસ્તો છોડતી ન હોવાથી માલધારી પોતાના પશુઓને લઈને પાછો ફરતો જોવા મળે છે. ગીરના માલધારીઓની જીવનશૈલી અને સાવજ સાથેના સહવાસની આ ઘટના ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે.
સિંહણ સામે ડર્યા વિના જ ઊભા રહીને પોતાના પશુઓને બચાવનાર માલધારીની આ ઘટના માત્ર રોમાંચક દૃશ્ય પૂરતી સીમિત નથી, પરંતુ પશુપાલક અને તેના પશુઓ વચ્ચેના લાગણીસભર સંબંધની પણ ઝલક આપે છે. પશુઓને પરિવારના સભ્યો સમાન માનતા માલધારીએ જીવના જોખમ વચ્ચે પણ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સિંહણને શિકાર ન મળે તે બાદ પશુપાલકે પણ પરિસ્થિતિને વધુ ગંભીર બનતી અટકાવી પોતાના પશુઓ સાથે પરત ફરવાનું પસંદ કર્યું હતું.

