પોલીસની પેટ્રોલિંગ કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
Rajkot,તા.૫
ગુજરાતમાં કાગળ પર કડક દારૂબંધી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રાજકોટ શહેરમાં દારૂબંધીના ખુલ્લેઆમ લીરેલીરા ઉડતા હોવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ચાલતા આ કારોબારે પોલીસ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટની જાણીતી બી. ટી. સવાણી હોસ્પિટલની બિલકુલ બાજુમાં જ ખુલ્લેઆમ વિદેશી કે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.
જ્યાં દર્દીઓ અને તેમના સ્વજનોની અવરજવર રહેતી હોય તેવા સંવેદનશીલ સ્થળની નજીક જ ચાલતા આ ગેરકાયદે ધંધાએ લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાવ્યું છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળની આસપાસ આ પ્રકારે દારૂ વેચાતો હોવાથી નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ ખુલ્લેઆમ ચાલતા દારૂના વેચાણનો કોઈ સ્થાનિક દ્વારા વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ શહેરમાં ચકચાર મચી ગઈ છે કે, શું બુટલેગરોને પોલીસ કે કાયદાનો કોઈ જ ડર નથી રહ્યો?
આ ઘટનાને કારણે સ્થાનિક લોકો અને નાગરિકોમાં પોલીસ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલો પૂછી રહ્યા છે કે, શું રાજકોટ પોલીસની પેટ્રોલિંગ કામગીરી માત્ર કાગળ પર જ સીમિત છે? હોસ્પિટલ જેવા વિસ્તારની બાજુમાં આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ કેવી રીતે રહી શકે? હવે જોવું રહ્યું કે, આ વાયરલ વીડિયો બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શું કડક પગલાં લેવામાં આવે છે.

