જીજ્ઞેશ પટેલ
Manavadar તા.૫
મણાવદર ૧ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વીજ તંત્ર દ્વારા વ્યાપક સ્તરે કોર્પોરેટ વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મણાવદર ૧ કચેરીના નાયબ ઈજનેર ડી. એન. રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, હાલમાં તેમને મણાવદર ૧ પેટા વિભાગીય કચેરીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલો છે અને તે અંતર્ગત આજ રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ વીજ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન કુલ ૮ ટીમ (ચેકિંગ સ્ક્વોડ) દ્વારા વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ૧૪૩ વીજ કનેક્શનોની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં કુલ ૧૯ કનેક્શનોમાં ગેરરીતિ માલૂમ પડી હતી.
તપાસ દરમિયાન કલમ ૧૩૫ હેઠળ ૮ મીટર ઉતારી લેવામાં આવ્યા હતા, જ્યારે ૨ વાણિજ્યિક (કમર્શિયલ) વીજ કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ હતી. આ તમામ ૧૯ કનેક્શનો સામે તંત્ર દ્વારા અંદાજે રૂ. ૧૦ લાખ જેટલું આકરૂં એસેસમેન્ટ ફટકારવામાં આવ્યું છે. કાર્યવાહીના અંતે નાયબ ઈજનેરે વીજ ગ્રાહકોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, ‘‘વીજ ચોરી કરવાનો માર્ગ છોડીને નાગરિકોએ સોલાર ઊર્જા અપનાવવી જોઈએ. સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા ખૂબ જ સારી સબસીડી આપવામાં આવે છે, જેનાથી વીજ બિલ શૂન્ય થઈ જાય છે અને કાનૂની કાર્યવાહીથી પણ બચી શકાય છે.‘‘

