New Delhi, તા.6
દૂરસંચાર નિયામક (ટ્રાઈ)એ મોબાઈલ અને બોડબેન્ડ સેવાઓની ગુણવતા સુધારવા માટે નવા નિયમોનો ડ્રાફટ જાહેર કર્યો છે. પ્રસ્તાવ અનુસાર જો કોઈ જિલ્લામાં મોબાઈલ કે બ્રોડબેન્ડ નેટવર્ક સતત ચાર કલાક તેથી વધુ વખત બંધ રહે છે તો તેને મોટો આઉટેજ માનવામાં આવશે. જો આ સમસ્યા 24 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહે છે તો કંપનીએ ગ્રાહકને વળતર આપવું પડશે.
ટ્રાઈએ કવોલિટી ઓફ સર્વિસ રેગ્યુલેશન, 2024માં નવા સંશોધનનો ડ્રાફટ જાહેર કર્યો છે. તેમાં જોગવાઈ કરાઈ છે કે જો મોટું નેટવર્ક આઉટેજ હોય છે તો આવી સ્થિતિમાં પોસ્ટપેઈડ અને પ્રી-પેઈડ ગ્રાહકોને નિશ્ચિત શરતોના હિસાબે વળતર આપવું પડશે.પોસ્ટ પેઈડ ગ્રાહકોના મામલામાં જેટલા દિવસ નેટવર્કને અસર થશે, એટલા દિવસનું ભાડુ આગામી બિલમાં માફ કરવું પડશે. જયારે, પ્રીપેઈડ ગ્રાહકોના મામલામાં પ્લાનની માન્યતાને અસર થયેલા દિવસોની સંખ્યાને બરાબર વધારી દેવામાં આવશે.
સાઈલેન્ટ કોલની સમસ્યા રોકવા માટે પણ ટેલિકોમ કંપનીઓની જવાબદારી નકકી કરવાની જોગવાઈ સામેલ છે. હંમેશા જોવામાં આવ્યું છે કે કોલ કનેકટ થયા બાદ અવાજ આવવો બંધ થઈ જાય છે.ટ્રાઈએ તેને સાઈલન્ટ કોલ (4 સેકન્ડ કે તેથી વધુ સમય અવાજ ન આવવો)ની શ્રેણીમાં રાખ્યો છે. કંપનીઓ દ્વારા તેનો બેન્ચમાર્ક એક ટકો કે એથી ઓછો રાખવામાં આવ્યો છે.જો કોઈ કંપની ત્રિમાસિક આધાર પર એક ટકો ધોરણને પુરો કરવામાં નિષ્ફળ રહી તો સેવા ગુણવતામાં ઢીલાશ રાખવા પર ટ્રાઈ નાણાકીય દંડ લગાવી શકે છે. નવા પરિવર્તનોને 1 ઓકટોબરથી લાગુ કરવાનો પ્રસ્તાવ છે.ડ્રાફટમાં 5-જી સેવાઓમાં ગુણવતા જાળવી રાખવા માટે ફરજીયાત કરવામાં આવ્યું છે કે કોઈપણ 5-જી સેલમાં દૈનિક રેડિયો રિસોર્સનો ઉપયોગ 80 ટકાથી વધુ ન હોય.ટ્રાઈએ આ મામલે બધા હિતધારકો અને આમજનતા પાસે સૂચનો પણ માંગ્યા છે….

