પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો
Jamnagar, તા.૧૯
, જામનગર શહેરમાં દારૂબંધીના કાયદાને ખુલ્લેઆમ પડકારતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને નકલી ઇંગ્લિશ દારૂ બનાવતા એક અડ્ડા પર દરોડો પાડીને સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે.જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટીમાં સમંદરસિંગ ભરતસિંગના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મકાનમાંથી નકલી દારૂ બનાવવા માટેનો શંકાસ્પદ સામાન મોટી માત્રામાં મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ૯૬ પ્લાસ્ટિકની ખાલી બોટલો અને ૨૭૦ ઇંગ્લિશ દારૂની બોટલોના ઢાંકણાં કબજે કર્યા છે. આરોપીઓ દ્વારા કેમિકલ, સ્પિરિટ, કલર અને એસેન્સનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નકલી દારૂ બનાવવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ માત્ર દારૂ જ નહીં પરંતુ અસલી બ્રાન્ડ જેવો દેખાવ આપવા માટે વિવિધ કંપનીઓના નામના ખોટા સ્ટીકર અને ઢાંકણાં પણ બહારથી મંગાવતા હતા. દારૂની બોટલો પર લગાવવા માટેના ખાસ સ્ટીકરો તૈયાર કરીને ગ્રાહકોને અસલી દારૂ હોવાનું ભ્રમિત કરી વેચાણ કરવાની પૂરેપૂરી તૈયારી કરવામાં આવી હતી.
જામનગર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસની રેડ પડતાની સાથે જ આરોપીઓ દ્વારા કેમિકલ અને ખાલી બોટલોનો નાશ કરીને અગત્યના પુરાવાઓ દૂર કરવાનો નાકામ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં સમંદરસિંગ ભરતસિંગ ખટાણા, વિશ્વુ ગુર્જર અને રીંકુસિંગ પરશુરામસિંગ કુશવાહા સામે પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નકલી દારૂના સેવનથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હોવા છતાં આ કૃત્ય આચરનાર આરોપીઓ પૈકી મુખ્ય આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

