New Delhi,તા.07
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફેસબુક પોસ્ટ હટાવવાના મામલે કેન્દ્ર સરકારે મેટાના અધિકારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. મેટાના ગ્લોબલ અફેર્સ ચીફ જોએલ કેપ્લનના નેતૃત્વમાં આવેલી ટીમને સરકારનાં કડક સવાલોનો સામનો કરવો પડ્યો હતો.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે બેઠક દરમિયાન મેટાની ટીમને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે શું મેટાએ એવા કન્ટેન્ટને પ્રમોટ કરવા માટે પેમેન્ટ લીધું જેનાથી જનતામાં અશાંતિ ફેલાઈ શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે, મેટાના અધિકારીઓએ બાળકોનાં જાતીય શોષણવાળા કન્ટેન્ટ અને ડીપફેક સાથે જોડાયેલી નિષ્ફળતાઓને સ્વીકારી અને માન્યું કે એક ખાસ પ્રકારનાં કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઘણું બધું ભંડોળ આપવામાં આવ્યું હતું.
જાણવા મળ્યું છે કે, વૈષ્ણવે મેટાને એ પણ પૂછ્યું કે શું તે પોતાનાં પ્લેટફોર્મ પર ગેરકાયદેસર કન્ટેન્ટને રોકવા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. તેમણે સ્વીકાર્યું કે તેમની સિસ્ટમ આટલાં બધાં ગેરકાયદેસર કન્ટેન્ટ માટે પૂરતી તૈયાર નથી. તેમણે માન્યું કે તેઓ બધું કંટ્રોલ કરી શકતાં નથી.
ભારત સરકારે મેટાને સખત ચેતવણી આપી
ઉચ્ચસ્તરીય બેઠકમાં ભારત સરકારે મેટાની ટીમને સખત શબ્દોમાં સ્પષ્ટ કરી દીધું કે કંપનીને હવે માત્ર એક મધ્યસ્થ (ઇન્ટરમીડિયરી) ગણી શકાય નહીં. સરકારનું કહેવું છે કે મેટા પોતે નક્કી કરે છે કે કયું કન્ટેન્ટ કયાં યુઝર સુધી પહોંચશે. તેથી આવા કન્ટેન્ટ પ્રત્યે મેટાની પણ જવાબદારી બને છે.
બેઠક દરમિયાન પ્રધાનમંત્રીની વીડિયો પોસ્ટને ફેસબુક પરથી હટાવવાના મુદ્દાને પણ અગ્રતાથી ઉઠાવવામાં આવ્યો હતો. સરકારી સૂત્રોએ જણાવ્યું કે વૈષ્ણવે મેટાને સીધું પૂછ્યું કે શું કંપનીએ એવા કન્ટેન્ટને પ્રમોટ કરવા માટે પેમેન્ટ લીધું, જેનાથી જનતામાં અશાંતિ ફેલાઈ શકે છે.
સરકાર સીધો કેસ કરી શકે છે
વીડિયો વિવાદ પર સંચાર અને સૂચના પ્રોદ્યોગિકી (આઈટી) સંબંધી સ્થાયી સમિતિએ મેટાના સીઈઓ પાસે ત્રણ દિવસની અંદર બિનશરતી માફી માંગવા કહ્યું છે. સમિતિએ ચેતવણી આપી છે કે જો નક્કી કરેલા સમયમાં માફી નહીં માંગવામાં આવે તો કંપનીને માહિતી ટેકનોલોજી કાયદા (આઈટી એક્ટ) હેઠળ મળતી કાનૂની સુરક્ષા પાછી ખેંચવાની ભલામણ કરવામાં આવી શકે છે. સરકાર તરફથી મળેલાં આ કયા વિશેષાધિકારો છે જે પાછા ખેંચાઈ શકે છે?
ડિજિટલ પ્લેટફોર્મને આ રીતે મળે છે ‘સેફ હાર્બર’ સુરક્ષા
માહિતી ટેકનોલોજી કાયદા (IT Act), 2000ની કલમ 79 હેઠળ સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મને ‘સેફ હાર્બર’ સુરક્ષા મળે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ગૂગલ, એક્સ જેવા પ્લેટફોર્મ મધ્યસ્થ (ઇન્ટરમીડિયરી) ગણાય છે. આ સુરક્ષા હેઠળ યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવેલાં થર્ડ-પાર્ટી કન્ટેન્ટ માટે પ્લેટફોર્મ સીધી રીતે કાનૂની રૂપે જવાબદાર હોતા નથી.
આ સુરક્ષા ત્યારે જ મળે છે જ્યારે પ્લેટફોર્મ આઈટી નિયમો, 2021નું પાલન કરે, જેમ કે ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવી અને કાયદા અનુસાર વાંધાજનક કે ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવવું.
કલમ 79(3) શું છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
જો પ્લેટફોર્મ કોઈ ગેરકાયદેસર કન્ટેન્ટની જાણકારી મળવા છતાં તેને હટાવતું નથી, અથવા સરકાર/કોર્ટનાં આદેશનું પાલન કરતું નથી, તો આ સુરક્ષા સમાપ્ત થઈ શકે છે. સમિતિએ આ જ કલમનો ઉલ્લેખ કર્યો છે.

