પોલીસે આરોપી પાસેથી ૪૭.૩ કિલો હેરોઇન, પોઇન્ટ ૩૦ની ત્રણ પિસ્તોલ, ત્રણ મેગેઝીન, અને ૧૫ જીવતા કારતુસ કબજે કર્યા હતાં
Chandigarh, તા.૨૧
પંજાબ પોલીસે રવિવારે ફરિદકોટમાં સરહદ પારથી થતી હેરોઇનની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કરીને ચાર વ્યક્તિઓ પાસેથી ૪૭ કિલોથી વધુ હેરોઇન તેમજ હથિયારો અને દારુગોળો જપ્ત કર્યો હતો.ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે પોલીસે તેમની પાસેથી ૪૭.૩ કિલો હેરોઇન, પોઇન્ટ ૩૦ની ત્રણ પિસ્તોલ, ત્રણ મેગેઝીન, અને ૧૫ જીવતા કારતુસ કબજે કર્યા હતાં. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ અંકુશ, મંગલસિંહ, સચિન ઉર્ફે સંજુ અને અનમોલ સિંહ તરીકે થઇ છે.
તેઓ ફિરોઝપુરના રહેવાસી છે. પોલીસે હેરોઇનનો મોટો જથ્થો કબજે કરવા ઉપરાંત દાણચોરીની પ્રવૃત્તિમાં વપરાયેલ બે વાહનો પણ કબજે કર્યા હતાં. પકડાયેલા આરોપીઓ રાજ્યમાં હેરોઇન અને ગેરકાયદેસર હથિયારોની સરહદ પારથી થતી દાણચોરીમાં સંડોવાયેલા નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે આ નેટવર્કના પર્દાફાશ સાથે આગળ પાછળના તાર જોડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.ફરિદકોટના એસએસપી ગુરૂબંસ સિંહ બેન્સે કહ્યું હતું કે આગામી બાબા ફરિદ આગમન પુરબ ઉત્સવને ધ્યાનમાં રાખીને ચેકપોઇન્ટ પર ફરિદકોટ પોલીસની ટીમે શનિવાર થી રવિવારની રાત્રી દરમિયાન કારને અટકાવી તલાસી લેતા આ જથ્થો મળી આવ્યો હતો.તેઓએ વધુમાં કહ્યું હતું કે આ ગેંગ ફઝિલ્કા અને ફિરોઝપુર જિલ્લાના સરહદી વિસ્તારમા ડ્રોનથી ફેકવામાં આવતા હેરોઇન અને હથિયારનો જથ્થો મેળવતા હતાં.

