આરોપી સગીરાને બ્લેકમેઈલ કરી ૨૦૧૯થી દુષ્કર્મ આચરતો હતો, બાપુનગર પોલીસે નિવેદન લેવા બોલાવ્યો હતો
Ahmedabad, તા.૮
બાપુનગર પોલીસ કસ્ટડીમાં પોક્સોના ૪૬ વર્ષીય અહેમદ અન્સારીનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું છે. પોલીસ સ્ટેશનમાં આરોપીના નિવેદન નોંધવાની પ્રક્રિયા સમયે જ આરોપીને અચાનક જ ખેંચ આવી હતી. ત્યારબાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ આરોપીને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતકના શબનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સુપરત કર્યું હતું, પરંતુ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.
અંતે સ્થાનિક નામચીન શખ્સની સમજાવટ બાદ પરિવારે મૃતકની ડેડબોડી સ્વીકારી હતી.બાપુનગર વિસ્તારમાં સગીરા સંયુક્ત પરિવાર રહે છે. તેના વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષીય અહેમદ અન્સારીને સગીરાના પરિવાર સાથે સારા સંબંધ હોવાથી અહેમદ અન્સારી સગીરાના ઘરે અવર જવર કરતો હતો. આ દરમિયાન અહેમદ અન્સારીએ વર્ષ ૨૦૧૯ ફેબ્રુઆરીમાં સગીરાને કામકાજના બહાને પોતાના ઘરે બોલાવી અશ્લિલ વીડિયો બતાવી જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો બનાવ્યો હતો.
ત્યારબાદથી આરોપી અવારનવાર સગીરાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સગીરાને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ ગુજારતો હતો. દરમિયાન છ મહિના અગાઉ સગીરા જ્યારે પુખ્ત વયની થઈ ત્યારે તેના માતા-પિતાએ એક યુવક સાથે તેની સગાઈ નક્કી કરી હતી. આ વાતની જાણ આરોપી અહેમદ અન્સારીને થઈ ત્યારે તેણે સગીરાના અશ્લિલ વીડિયો યુવતીના મંગેતર અને સગીરાના ભાઈને મોકલ્યા હતા. જેના કારણે યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. સગીરાના માતા-પિતાએ પોતાની દીકરીને ફોસલાવીને પૂછતા આ ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. સગીરાએ માતા-પિતાને જણાવ્યું હતું કે, તેના વિસ્તારમાં રહેતો અહેમદ અન્સારી તેની સાથે ૨૦૧૯થી અત્યારસુધી અનેક વખત બળજબરીથી દુષ્કર્મ આચરતો હતો અને જો આ બાબતે કોઈને જાણ કરશે તો વીડિયો વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપતો હતો.
અંતે પીડિતાના માતા-પિતાએ અહેમદ અન્સારી વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોક્સોના ગુના હેઠળ આરોપીની ધરપકડ કરી હતી અને ગુરુવારે રાતે આરોપીના નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે તેને ખેંચ આવી હતી અને જમીન પર ઢળી પડ્યો હતો. હાજર પોલીસકર્મીઓ તરત જ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ફરજ પર ડોક્ટરોએ મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું. દુષ્કર્મ અને પોક્સોના આરોપીનું બાપુનગર પોલીસ કસ્ટડીમાં મોત થયું હોવાની જાણ મૃતક આરોપીના પરિવારજનો થતા તેઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને ગુરુવારની રાતે પોલીસ મથકમાં હંગામો કર્યો હતો. આ દરમિયાન પોલીસે રખિયાલ અને બાપુનગર વિસ્તારના એક નામચીન ગુનેગારની મદદથી મૃતકના પરિવારજનોને સમજાવ્યા હોવાનો ગણગણાટ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યો છે.

