(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬ઃ
જામનગર શહેરમાં સીસીટીવી કેમેરા મારફતે થતા ઓનલાઇન ચલણની કાર્યવાહીથી બચવા માટે સ્કૂટર પર ખોટી નંબર પ્લેટ લગાવી ફરતા યુવાનને ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે સ્કૂટર સહિત અસલ અને ખોટી બંને નંબર પ્લેટ કબજે કરી યુવાન સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ નોઘુભા વાળાની ફરિયાદ મુજબ, કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાના મોનિટરિંગ દરમિયાન સફેદ રંગના એક્સેસ સ્કૂટર પર ક્યારેક જીજે-૧૦-ઇએલ-૩૧૦૦ અને ક્યારેક જીજે-૧૦-ઇએલ-૩૧ નંબરની પ્લેટ લગાવીને વાહન ચલાવાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. તપાસ કરતાં સ્કૂટરનો સાચો નોંધણી નંબર જીજે-૧૦-ઇએલ-૩૧૦૦ હોવાનું બહાર આવ્યું હતું.
આથી પોલીસે વાહન પર વોચ ગોઠવી હતી. દરમિયાન તા.૨૫ સપ્ટેમ્બરે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બેડી ગેઇટ તરફથી સફેદ રંગનું સુઝુકી એક્સેસ સ્કૂટર જીજે-૧૦-ઇએલ-૩૧ નંબરની પ્લેટ સાથે પસાર થતાં તેને ટાઉન હોલ નજીક અટકાવવામાં આવ્યું હતું.
પંચોની હાજરીમાં ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ફૈઝલ યુનુસભાઈ મુનરાઈ જાતે ભડાળા, ઉંમર ૨૩ વર્ષ, રહે. ઈદ મસ્જિદ પાછળ, ગરીબનગર, પાણાખાણ, જામનગર હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્કૂટરના દસ્તાવેજોની તપાસ કરતાં આર.સી. બુકમાં નોંધાયેલ સાચો નંબર જીજે-૧૦-ઇએલ-૩૧૦૦ હોવાનું જાણવા મળ્યું હતું. સ્કૂટરના ચેસીસ અને એન્જિન નંબર પણ દસ્તાવેજ સાથે મેચ થયા હતા.
વધુ તપાસ દરમિયાન સ્કૂટરની ડેકીમાંથી આરટીઓ માન્ય અસલ નંબર પ્લેટ જીજે-૧૦-ઇએલ-૩૧૦૦ મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં યુવાને અસલ નંબર પ્લેટ કાઢીને તેની જગ્યાએ જીજે-૧૦-ઇએલ-૩૧ નંબરની પ્લેટ લગાવી હોવાનું જણાવ્યું હતું. શહેરમાં સીસીટીવી કેમેરા મારફતે ઓનલાઇન ચલણ આપવામાં આવતું હોવાથી આ કાર્યવાહીથી બચવા માટે ખોટી નંબર પ્લેટ બનાવડાવી લગાવી હોવાનું તેણે જણાવ્યું હતું.
પોલીસે યુવાનના કબજામાંથી આશરે રૂ.૪૦ હજારની કિંમતનું સુઝુકી એક્સેસ સ્કૂટર, અસલ નંબર પ્લેટ તથા ખોટી નંબર પ્લેટ તપાસ અર્થે કબજે કરી હતી. પંચનામું પૂર્ણ થયા બાદ બપોરે ૪.૧૫ વાગ્યે ફૈઝલની ધોરણસર ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૩૯, ૧૭૭ અને કેન્દ્રીય મોટર વાહન નિયમોની કલમ ૫૦, ૧૯૨ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

