Porbandar/ગાંધીનગર તા.૧૦
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વસિંહ દિવસ ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું કે, વન્યપ્રાણી સૃષ્ટિ અને પ્રકૃતિના સંવર્ધનના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને વન વિભાગની પ્રો-એક્ટિવ પ્રેક્ટિસીસથી ગીરના સિંહોની સફળ સંવર્ધન ગાથા વૈશ્વિક બની છે.
એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે તા.૧૦ ઓગસ્ટના રોજ ઉજવાતા વિશ્વ સિંહ દિવસની આ વર્ષની ઉજવણી પોરબંદર ખાતે તાજાવાલા હોલમાં કરવામાં આવી હતી. વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની પોરબંદર ખાતે ઉપસ્થિતિમાં આયોજીત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, મુક્ત અવસ્થામાં વસતા એશિયાટિક સિંહોનું ઘર એકમાત્ર ગુજરાત છે તે આપણા માટે ગૌરવ સાથે જવાબદારીનો પણ વિષય છે.આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે વન્યપ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધતી રહી છે અને ૮૯૧એ પહોંચી છે.
ગુજરાતે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આધુનિક ટેકનેલોજી, વૈજ્ઞાનિક સંશોધન લોકોની ભાગીદારી અને અસરકારક વહિવટ એમ ચાર સ્થંભો પર વન્યજીવ સંરક્ષણનું આગવું મોડેલ ઉભું કર્યુ છે. એટલુ જ નહિ, કુદરતી સંશાધનો અને જૈવ વિવિધતાનું જતન-સંવર્ધન, જળ સંરક્ષણ તથા વન્ય જીવોની સુરક્ષા અને સ્થાનિક સમુદાયોની ભાગીદારી આ મોડેલની વિશેષતા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સ્થાનિક લોકો અને સિંહો વચ્ચે સહઅસ્તિત્વની ભાવના વધુ મજબૂત બની છે. પરિણામે સિંહોનો વિચરણ વિસ્તાર છેલ્લા અઢી દાયકામાં ત્રણ જિલ્લાથી વધીને ૧૧ જિલ્લાઓ સુધી વિસ્તર્યો છે. ૧૪૩ વર્ષ બાદ બરડા ડુંગર વિસ્તારમાં સિંહોનો પુનઃવસવાટ શરૂ થયો છે અને બરડા વન્યજીવ અભયારણ્યને સિંહોએ કુદરતી રીતે પોતાના નવા આવાસ તરીકે સ્વીકાર્યું છે. પોરબંદર સહિતનો બરડા વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
તેમણે કહ્યુ કે, વડાપ્રધાનશ્રીએ સિંહોના રહેઠાણનું સંરક્ષણ અને પુનઃસ્થાપન, સ્થાનિક સમુદાયની ભાગીદારી તેમજ ઇકોલોજી અને વિકાસ વચ્ચે સંતુલન જાળવવાના હેતુથી પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો છે. ઉપરાંત ગીરમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજીને વન્યજીવ સંરક્ષણ માટે નવી દિશા આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનો ખૂબ મોટો ફાળો છે. સ્થાનિક સમાજે સિંહો સાથેના સહઅસ્તિત્વને હૃદયપૂર્વક સ્વીકાર્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘‘સિંહોનું સંરક્ષણ માત્ર સિંહોની સંખ્યા વધારવાનો કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવાનો સંકલ્પ છે.’’ જંગલો સુરક્ષિત રહેશે તો જળસ્રોતો સુરક્ષિત રહેશે અને જળસ્રોતો સુરક્ષિત રહેશે તો કૃષિ તથા માનવજીવન પણ સમૃદ્ધ બનશે. તેથી પ્રકૃતિ અને પર્યાવરણના જતન માટેના જનજાગૃતિના પ્રયાસોમાં સૌએ સહભાગી બની સાથે મળીને આગળ વધીએ.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સિંહોના સંરક્ષણ અને બરડા વિસ્તાર અંગે જણાવ્યું હતું કે, સિંહ સમગ્ર વિશ્વ માટે અજાયબી સમાન છે અને એશિયાટિક સિંહોનું કુદરતી નિવાસસ્થાન હોવાનું ગૌરવ ભારત અને ખાસ કરીને ગુજરાતને મળ્યું છે. ગીર આસપાસના વિસ્તાર બાદ બરડા હવે સિંહોનું બીજું ઘર બની રહ્યું છે. ૧૪૩ વર્ષના લાંબા સમયગાળા બાદ વનનો રાજા સિંહ પુનઃ બરડા અભયારણ્યમાં પ્રવેશી ચૂક્યો છે. વર્ષ ૨૦૨૩માં પ્રથમ સિંહના આગમન બાદ આજે બરડા વિસ્તારમાં ૨૬ સિંહોનો પરિવાર વસવાટ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વન વિભાગના પ્રયાસોની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બરડા અભયારણ્યમાં જંગલ સફારી બાદ હવે આશરે ૨૭૦ હેક્ટર વિસ્તારમાં સફારી પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોકર સાગર અને મેઢાક્રીકને પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મોકર સાગરને ટૂંક સમયમાં રામસર સાઈટનો દરજ્જો મળે તે દિશામાં પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
માનવ અને વન્યજીવોના સહઅસ્તિત્વ અંગે મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘‘જો વન્યસૃષ્ટિ ટકશે તો જ માનવજાત ટકી શકશે.’’ સિંહો સાથે માલધારીઓ અને સ્થાનિક લોકોનું સહઅસ્તિત્વ અદભુત રહ્યું છે. તેમણે નાગરિકો અને પ્રવાસીઓને સિંહોની છંછેડણી ન કરવા તથા વન્યજીવોથી સલામત અંતર જાળવવા અનુરોધ કર્યો હતો.
પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરાએ પર્યાવરણ જતન અને પ્રવાસન વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે વન વિભાગના કર્મચારીઓની કામગીરી તેમજ સ્થાનિક માલધારી સમુદાયના સહયોગને બિરદાવ્યો હતો અને વૃક્ષારોપણ તથા વન્યજીવોના જતન માટે સૌને આગળ આવવા અપીલ કરી હતી. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રીના આહવાનને સાકાર કરીને પર્યાવરણનું સંતુલન જાળવવા સૌને સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી.
અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડૉ.જયપાલ સિંઘે સિંહ સંરક્ષણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની ભૂમિકા આપી હતી.કાર્યક્રમ દરમિયાન વન અને પર્યાવરણ મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પેટ્રોલિંગ બાઈક અને રેસ્ક્યુ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

