Ahmedabad, તા.૯
દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ફાયરિંગની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં ઉગ્ર બન્યો હતો. એમ્પાયર સ્કાયવ્યૂ એપાર્ટમેન્ટની બહાર બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલી બાદ મારામારી, તોડફોડ અને ફાયરિંગની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનામાં પાંચ લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિવાળીની રાત્રે સાયન્સ સિટી રોડ પર આવેલા એમ્પાયર સ્કાયવ્યૂ એપાર્ટમેન્ટની બહાર ફટાકડા ફોડવાની બાબતે બે પક્ષ વચ્ચે વિવાદ થયો હતો. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ ત્યારબાદ બંને પક્ષ વચ્ચે ઘર્ષણ વધતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ફરિયાદ મુજબ, આશરે ૨૦થી ૨૫ લોકોના ટોળાએ હુમલો કરી મારામારી અને તોડફોડ કરી હતી. અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે એપાર્ટમેન્ટ બહાર નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બંને જૂથ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનતાં રાકેશ પટેલે સ્વબચાવમાં હવામાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે. ફાયરિંગના અવાજથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. દિવાળીની રાત્રે ફટાકડાના અવાજ વચ્ચે અચાનક ગોળીબાર થતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સમગ્ર મામલે મિલન રબારી, મીત દેસાઈ, મૌલિક દેસાઈ અને રાહુલ દેસાઈ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનામાં પાંચ લોકોને ઈજા પહોંચી હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ મારામારી, તોડફોડ અને ફાયરિંગ સુધી પહોંચતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.
હાલ પોલીસ તપાસમાં ફરિયાદમાં કરાયેલા આક્ષેપો, ફાયરિંગની સમગ્ર ઘટના અને બંને જૂથ વચ્ચેના વિવાદ પાછળનું ચોક્કસ કારણ જાણવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તપાસ બાદ ઘટનાને લગતી વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

