Ahmedabad,તા.૧૦
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે સિક્યોરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપી ભાગી ગયો હતો. પરંતુ પોલીસે સક્રિયતા દાખવી ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. દુષ્કર્મ કેસમાં સામેલ ધર્મસિંહે મોડી રાત્રે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરતા ગોળી આરોપીના પગમાં વાગી હતી.
આ ઝપાઝપી દરમિયાન એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચી આરોપી લંગડાતો જોવા મળ્યો હતો. ધર્મસિંહ બે હાથ જોડી કહી રહ્યો હતો કે સાહેબ હવે આવું નહીં થાય, એકવાર માફ કરી દો. ફાયરિંગની ઘટના બાદ જેસીપી અને ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ અંગે વાત કરતા ઝોન-૭ના ડીસીપી શિવમ શર્માએ કહ્યુ કે, એક પોલીસકર્મી અને આરોપી બંનેને ઈજા થઈ છે. બંનેને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. આરોપી વિરુદ્ધ બોડકવેદ પોલીસ સ્ટેશનમાં વધુ એક કેસ દાખલ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે આરોપીને લઈ જ્યારે હેબતપુર પંચનામુ કરવા ગયા તો તેણે પીઆઈની સર્વિસ રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન એક રાઉન્ડ ફાયરિંગ થતાં કોન્સ્ટેબલને ઈજા પહોંચી છે. ત્યારબાદ પીઆઈ પરમારે આરોપીના પગમાં ફાયરિંગ કર્યું હતું.
અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં કચ્છની યુવતી અભ્યાસ-નોકરી અર્થે પીજીમાં રહે છે. અહીં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ધર્મસિંહે રાત્રે યુવતી ધાબા પર ચાલવા ગઈ ત્યારે ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ધાબા પર ચાલવા પહોંચી તો આરોપી પણ પાછળ પહોંચ્યો હતો. તેણે યુવતીના ગળે વાયર બાંધ્યો અને પછી દુષ્કર્મ આચર્યું હતું.

