Valsad,તા.૧૦
વલસાડ નજીક આવેલા સંઘપ્રદેશ નાની દમણના દરિયાકિનારે ચોમાસાના તોફાની વાતાવરણ વચ્ચે એક કરુણ દુર્ઘટના ઘટી છે. પ્રશાસન દ્વારા દરિયાકિનારે જહાજો કે પર્યટકો માટે પ્રવેશ પર કડક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં, ૪ યુવકોનું એક જૂથ નિયમો નો અનાદર કરીને દરિયામાં નહાવા પડ્યું હતું.દરમિયાન, દરિયામાં ઉછળેલા તોફાની અને જોખમી મોજાના કારણે ૨ યુવકો ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. કિનારે ફરજ પર હાજર લાઇફગાર્ડે તાત્કાલિક દરિયામાં ઝંપલાવીને એક યુવકને સુખરૂપ બહાર કાઢી લીધો હતો, પરંતુ મૂળ બિહારનો આકાશ કુમાર નામનો યુવક દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ અને ફાયર ફાઇટરો દ્વારા રેસ્ક્યુ બોટની મદદથી લાપતા યુવક આકાશ કુમારને શોધવા માટે દરિયામાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
દમણ પ્રશાસન દ્વારા ચોમાસાની જોખમી સિઝનને ધ્યાને રાખીને ૧૭ જૂનથી ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ સુધી દરિયામાં પ્રવેશ કરવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, સ્થાનિકોના જણાવ્યા મુજબ, દેવકાથી લઈને જમ્પોર સુધીના કિલોમીટરો લાંબા અને વિશાળ દરિયાકિનારે માત્ર ૭ જ લાઇફગાર્ડ તૈનાત છે, જે પ્રવાસીઓની સંખ્યા અને વિસ્તારની સરખામણીએ અત્યંત અપૂરતા છે. જીવલેણ અકસ્માતો અટકાવવા માટે પ્રશાસનીય કડકાઈ સાથે પ્રવાસીઓ પોતે પણ જાગૃત બની નિયમોનું પાલન કરે તે અત્યંત જરૂરી છે.

