New Delhi, તા. 11
ઓક્ટોબરથી શરૂ થનારી નવી સીઝનમાં ઈથેનોલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી શેરડીની માત્રાને મર્યાદિત કરવા અથવા રોકવા અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. આ નિર્ણયનો હેતુ ખાંડનું ઉત્પાદન વધારવાનો અને રેકોર્ડ સ્તરે પહોંચેલાં ખાંડના ભાવને ઘટાડવાનો છે. આ માહિતી સરકાર અને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા સૂત્રોએ આપી હતી.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક બંને રાજ્યોમાં આ વખતે ઓછો વરસાદ થયો છે. આ બંને દેશનાં સૌથી મોટા શેરડી ઉત્પાદક રાજ્યોમાં સામેલ છે. ઓછો વરસાદ થવાને કારણે આગામી વર્ષે ખાંડના ઉત્પાદનને લઈને ચિંતા વધી ગઈ છે.
જો ઈથેનોલને બદલે ખાંડના પુરવઠાને પ્રાથમિકતા આપવામાં આવે, તો સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધી શકે છે. આનાથી ઉત્પાદન ઘટવા છતાં ભારતને ખાંડની આયાત કરવાથી બચવામાં મદદ મળી શકે છે. આ મુદ્દે નિર્ણય આવતાં મહિનાનાં અંત સુધીમાં લેવામાં આવી શકે છે.
સપ્ટેમ્બર સુધી ચાલનારી સીઝનમાં ખાંડ મિલોએ આશરે 30 લાખ મેટ્રિક ટન ખાંડનો ઉપયોગ ઈથેનોલ બનાવવા માટે કર્યો હતો. આ કુલ ખાંડ ઉત્પાદનના લગભગ 10 ટકા જેટલું છે. જો આગામી સીઝનમાં ઈથેનોલ માટે ખાંડના ઉપયોગને મર્યાદિત કરવામાં આવે, તો સ્થાનિક બજારમાં આશરે 30 લાખ મેટ્રિક ટન વધારાની ખાંડ ઉપલબ્ધ થઈ શકે છે.
આનાથી મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા અગ્રણી શેરડી ઉત્પાદક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ખાંડના ઉત્પાદનમાં થનારી સંભવિત ઘટને પહોંચી વળવામાં મદદ મળી શકે છે.
મકાઈ અને ચોખામાંથી ઈથેનોલ બનાવવાની તૈયારી
જોકે, કેન્દ્ર સરકારે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્ય જાળવી રાખવા માટે જો શેરડીમાંથી બનતા ઈથેનોલની માત્રા ઘટાડવામાં આવે, તો સરકારે મકાઈ અને ચોખામાંથી ઈથેનોલનું ઉત્પાદન વધારવું પડશે. હાલમાં દેશમાં મકાઈ અને ચોખાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
એક મહિનામાં કિંમત દસ ટકા સુધી વધી
ભારતમાં ખાંડની કિંમત છેલ્લાં એક મહિનામાં આશરે 10 ટકા વધીને રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગઈ છે. આનું કારણ ખાંડની ઘટતી ઉપલબ્ધતા અને દેશમાં તહેવારોની સીઝન છે.

