Ayodhya, તા. 17
ભારતનાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે અયોધ્યાની મુલાકાત લઈને પવિત્ર રામ મંદિર અને શ્રી હનુમાનગઢી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. 47 વર્ષીય સેહવાગે સૌથી પહેલાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યાં હતાં.
ત્યારબાદ અયોધ્યાના પ્રસિદ્ધ હનુમાનગઢી મંદિરે પહોંચીને બજરંગબલીની વિશેષ પૂજા કરી હતી. આ આધ્યાત્મિક યાત્રા બાદ સેહવાગે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, “એક હી નારા, એક હી નામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અયોધ્યાના હનુમાન મંદિરનાં દર્શનની મારી આતુરતાનો આખરે અંત આવ્યો છે. કેટલીક મુસાફરી માઇલોમાં નહીં પરંતુ તમારી અંદર જે જાગૃતિ આવે છે તેનાથી માપવામાં આવે છે.”
સેહવાગની આ મુલાકાત દરમિયાન મંદિર પ્રશાસન અને સ્થાનિક શ્રદ્ધાળુઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રામ મંદિરનાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અયોધ્યા એક દેશનું મોટું આધ્યાત્મિક કેન્દ્ર બન્યું છે, જ્યાં સતત દેશભરમાંથી જાણીતી હસ્તીઓ અને રમતગમતનાં ક્ષેત્રનાં દિગ્ગજો પહોંચી રહ્યાં છે.
પોતાના સમયનાં આક્રમક ઓપનિંગ બેટ્સમેન સેહવાગ હાલમાં કમેન્ટેટર તરીકે કાર્યરત છે. અયોધ્યામાં ભગવાન પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ભક્તિભાવ જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ પણ આ પૂર્વ ક્રિકેટરની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.

