ક્રાઈમ બ્રાન્ચે ૧૦ ગુનામાં સંડોવાયેલ સંજય રાજાણીને દબોચ્યો ૮૩ હજારનો મુદામાલ કબ્જે
Rajkot તા.૧ઃ
શહેરના માધાપર ચોકડી નજીકથી રાજસ્થાની ટ્રક ચાલકને રિક્ષામાં બેસાડી અધ્ધવચ્ચે મોરબી રોડ પર ઉતારી બેફામ માર મારી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઇ જનાર જંગલેશ્વરના નામીચા શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચ્યો છે. પોલીસે રીક્ષાચાલક પાસેથી રોકડ, મોબાઈલ, રીક્ષા સહીત રૂ. ૮૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રહેતાં તરુણકુમાર ઉમેદારામ પન્નુ (ઉ.વ.૨૧) એ નોંધાવેલ ફરીયાદમાં અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તે ડ્રાઈવીંગ કામ કરે છે. ગઈ તા.૨૭ ના રોજ તે રાજસ્થાનથી ટ્રેકટરનુ ડ્રાઈવીંગ કામ કરવા શેઠ હરીભાઈ સોલંકીએ ધ્રોલ બોલાવતા તે ધ્રોલ આવેલો હતો. ત્યા પહોંચતા શેઠ હરીભાઈને ફોન કરતા તેમણે જણાવેલ કે હવે ધ્રોલ કામ નથી. તમે ગોંડલ રૂપાવટી ખાતે આવી જાવ તેમ શેઠે જણાવતા તે ધ્રોલથી ઈકો ગાડીમાં માધાપર ચોકડી પહોચેલો અને ત્યાંથી એક રીક્ષામાં બેસી ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવવા રવાના થયેલો હતો.
બાદમા રીક્ષા ડ્રાઈવરે મોરબી રોડ જકાતનાકાથી અંદર જુના મોરબી રોડ બાજુ રીક્ષા લઈને ગીરીરાજ પાર્ટી પ્લોટ સામે આવેલા ક્રાંતી માનવ સેવા વાળા રોડ પર રીક્ષા જવા દીધેલી અને તે રોડ પર આવેલ રૈયાણી ડેન્ટલ એન્ડ સ્કીન કલીનીક સામે રોડ પર રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખી યુવકને નીચે ઉતારી રીક્ષા ચાલકે મારમારી ફોન તથા રોકડ મળી કુલ રૂ.૨૩૫૦૦ ની મતાની લૂંટી ચલાવી ત્યાથી નાશી ગયેલો હતો. આરોપી સંજય શંકરલાલ રાજાણી (ઉ.વ.૫૧, રહે. જંગલેશ્વર શેરી નં.૧૫, હુશેની ચોક) ને શિતલ પાર્ક મેઈન રોડ પરથી દબોચી લુંટમાં ગયેલ રોકડ અને મોબાઈલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

