New Delhi તા. 18
જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સાઈ સુદર્શન અને હર્ષિત રાણા જેવાં ભારતીય ક્રિકેટરોના વારંવાર ઈજાગ્રસ્ત થવા અંગે પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
તાજેતરમાં મેદાન પર વાપસી કર્યાના થોડા જ સમયમાં ખેલાડીઓ ફરી ઈજાગ્રસ્ત થતાં બીસીસીઆઈના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (CoE) પર સવાલો ઊભા થયા છે. જોકે, ગાવસ્કરે CoEનો બચાવ કરતાં જણાવ્યું છે કે ખામી ફિઝિયોમાં નહીં પરંતુ ખેલાડીઓની તાલીમ પદ્ધતિમાં હોઈ શકે છે.
ગાવસ્કરે પોતાનાં એક કોલમમાં લખ્યું છે કે, બુમરાહને ઘૂંટણની સમસ્યા છે પરંતુ મોટાભાગનાં ભારતીય ખેલાડીઓ હેમસ્ટ્રિંગ (સ્નાયુ)ની ઈજાથી પીડાઈ રહ્યા છે. આ બાબત સ્પષ્ટ દર્શાવે છે કે તેમની ટ્રેનિંગમાં કંઈક ગડબડ છે. આ ઈજાઓ ત્યારે જ થાય છે જ્યારે તેઓ ભારત માટે રમી રહ્યા હોય છે, પરંતુ અફસોસની વાત એ છે કે તેનો દોષ સેન્ટર ઓફ એક્સેલન્સના ફિઝિયો પર નાખી દેવામાં આવે છે.
પ્રેક્ટિસ દરમિયાન બોલરો પર મૂકવામાં આવતા નિયંત્રણો સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. બાયોમિકેનિક્સના નામે કેટલાક વિદેશી ફિઝિયો આઈપીએલ કે નેટ્સ પ્રેક્ટિસમાં બોલરોને 20થી વધુ બોલ ફેંકવા નથી દેતાં. ગાવસ્કરે પ્રશ્ન કર્યો હતો કે જો કોઈ બોલરે મેચમાં ઓછામાં ઓછા 24 બોલ ફેંકવાના હોય, તો નેટ્સમાં ઓછી બોલિંગ કરાવવાથી શું ફાયદો થશે?
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેલાડીઓ માટે ‘જિમ-ફિટ’ થવા કરતાં ‘મેચ-ફિટ’ હોવું વધુ જરૂરી છે. બુમરાહ અને હાર્દિક જેવા મુખ્ય ખેલાડીઓના વારંવાર ઈજાગ્રસ્ત થવાથી ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2027 ની ફાઈનલ સુધી પહોંચવાની રેસ અને 2027 ના વનડે વર્લ્ડ કપની તૈયારીઓ પર માઠી અસર પડી રહી છે, જેના પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.

