ગુજરાતના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી એક નવી દિશા ખોલી રહી છે. ખેતીમાં રસાયણોનો ઉપયોગ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઘનજીવામૃતનો ઉપયોગ ખૂબ જ અસરકારક સાબિત થયો છે. આ પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખેડૂતો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકે છે.
ઘનજીવામૃત એ દેશી ગાયના ગોબર, ગૌમૂત્ર, ગોળ, બેસન અને વૃક્ષ નીચેની માટીના મિશ્રણથી બનેલું એક શક્તિશાળી જૈવિક ખાતર છે. આ મિશ્રણ જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં અનેકગણો વધારો કરે છે, જેના કારણે છોડને પૂરતા પોષક તત્ત્વો મળે છે અને પાકનું ઉત્પાદન વધે છે.
ઘનજીવામૃત બનાવવાની સરળ રીત
સામગ્રી: 100 કિલોગ્રામ દેશી ગાયનું ગોબર, 8-10 લિટર ગૌમૂત્ર, 1 કિલોગ્રામ ગોળ, 2 કિલોગ્રામ બેસન અને 200 ગ્રામ વૃક્ષ નીચેની માટી 200 ગ્રામ.
આ બધી સામગ્રીને બરાબર ભેળવીને તેના લાડુ બનાવી શકાય છે અથવા તેને પાવડર સ્વરૂપે પણ તૈયાર કરી શકાય છે. આ લાડુને ખેતરમાં અથવા ફળઝાડના મૂળ પાસે રાખવાથી સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં ફેલાય છે. જો આ પાવડર સ્વરૂપે હોય તો તેને છાણિયા ખાતર સાથે ભેળવીને પણ ઉપયોગ કરી શકાય છે.
સુકાયેલા ઘનજીવામૃતને પાવડર બનાવીને શણના કોથળામાં છ મહિના સુધી સંગ્રહ કરી શકાય છે. સુકાયા પછી જીવાણુઓ સુષુપ્ત અવસ્થામાં જાય છે અને જમીનમાં ભેજ મળતાં જ ફરી સક્રિય થઈ જાય છે. ઘનજીવામૃતના ઉપયોગથી ખેડૂતોને ઘણા ફાયદાઓ થાય છે.

