New Delhi, તા.25
દેશમાં ખાંડ-ડુંગળીમાં જોરદાર ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા છે. કેન્દ્ર સરકારે ઘઉં તથા તેની બનાવટો પરના નિકાસ પ્રતિબંધો ઉઠાવી લેવાનો એકાએક નિર્ણય જાહેર કર્યો છે. આ કદમથી ઘઉંના ભાવમાં તેજીનો સળવળાટ આવવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓના મતે ભાવ પ્રતિ કિલો બે-ત્ર રૂપિયા વધી જવાની શક્યતાનો ઇન્કાર થઇ શકતો નથી.
કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પ્રમાણે ઘઉં તથા તેની બનાવટોની નિકાસ પ્રતિબંધિતને બદલે ઓપન કેટેગરીમાં મુકવામાં આવી છે. ચાર વર્ષ બાદ આ નિકાસ છૂટ્ટ આપવામાં આવી હોવાનું વેપારી વર્તુળોએ જણાવ્યું હતું.
અમેરિકા-ઇરાન, રશિયા-યુક્રેન વચ્ચેના યુધ્ધ સહિતના ભૌગોલિક ઘટનાક્રમોથી ભારતીય ઘઉંની ડિમાંડ બાંગ્લાદેશ સહિતના દેશોમાં વધી છે. જો કે, જાણકારોએ એમ કહ્યું કે નિકાસ નિયંત્રણો-શરતોને કારણે એક્સપોર્ટ છુટ્ટનો લાભ અમુક મોટા ખેલાડીઓ-વેપારીઓ જ ઉઠાવી શકશે. રોલર ફ્લોર પ્રોસેસર્સ ફેડરેશન દ્વારા એમ કહેવાયું છે કે એમએસએમઇ ક્ષેત્રમાં કાર્યરત મીલો પણ પોતાની ઘઉંની બ્રાન્ડ વિદેશોમાં મોકલાવી શકશે.
ડીરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા નોટીફીકેશન મુજબ તાત્કાલીક અસરથી ઘઉં અને આટા, રવા, સોજી જેવી તેની બનાવટોની નિકાસને પ્રતિબંધિતમાંથી મુક્ત કેટેગરીમાં મુકવામાં આવે છે. આ નોટીફીકેશનની તાત્કાલીક અસરથી નિકાસ પ્રતિબંધો દૂર થઇ જાય છે.
વેપારી વર્તુળોએ એમ કહ્યું કે જુલાઇ-2022માં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ભારતમાં ગત સિઝનમાં બમ્પર ઉત્પાદન થયું હતું. 5.10 કરોડ ટનનો પર્યાપ્ત સ્ટોક હોવાની હકીકતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયાનું મનાય છે.
ઘઉંના વેપારીઓ દ્વારા પણ લાંબા વખતથી નિકાસ છૂટ્ટ માંગવામાં આવી રહી હતી. લોકલ વેપારીઓએ જો કે એમ કહ્યું કે નિકાસબંધીને કારણે જ ઘઉંના ભાવ દબાયેલા હતા. હવે નિકાસ છુટ્ટ મળતા તેજીનો સળવળાટ આવી શકે છે. જો કે, વૈશ્ર્વિક ભાવ, સ્ટોક સહિતના પાસા મહત્વના બનશે. આજનો માર્કેટ ટ્રેન્ડ મહત્વનો બનશે.
ઘઉંમાં નિકાસ છુટ્ટને પગલે ભાવો વધે છે કે કેમ તેના પર નજર રહેશે. ભાવવધારાના સંજોગોમાં તહેવારોને ટાણે જ લોકોને વધુ એક ઝટકો સહન કરવો પડી શકે છે. છેલ્લા દિવસોમાં ખાંડ, ડુંગળી, ચોખા જેવી કૃષિ પ્રોડક્ટ મોંઘી થઇ છે અને તેનો જબરો ઉહાપોહ પણ છે, જ્યારે ઘઉંમાં ભાવ વધે તો મોંઘવારીનુ ચક્કર વધુ ગંભીર બની શકે છે.

