(૨૨) જનમેજયને દેવતાઓની કૂતરી સરમાએ શ્રાપ આપ્યો હતો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
પરીક્ષિતના પૂત્ર જનમેજય પોતાના ભાઇઓ સહિત કુરૂક્ષેત્રમાં લાંબો સમય ચાલનારા યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા.જનમેજયના ત્રણ ભાઇઓ હતા-શ્રુતસેન,ઇન્દ્રસેન અને ભીમસેન.આ ત્રણે ભાઇઓ યજ્ઞમાં બેઠા હતા.તે સમયે દેવતાઓની કૂતરી સરમાનો પૂત્ર સારમેય ત્યાં આવે છે.જનમેજયના ભાઇઓએ તેને માર્યો.સારમેય રડતો રડતો પોતાની માતા પાસે જાય છે ત્યારે તેની માતાએ પુછ્યું કે તૂં કેમ રડે છે? તને કોને માર્યો? ત્યારે સારમેય કહે છે કે મને જનમેજયના ભાઇઓએ માર્યો છે.ત્યારે સરમા કહે છે કે બેટા ! અવશ્ય તે કોઇ અપરાધ કર્યો હશે એટલે તને માર્યો હશે ત્યારે સારમેય કહે છે કે મેં કોઇ અપરાધ કર્યો નથી કે મેં હવિષ્યની સામું પણ જોયું નથી કે તેને ચાટ્યું પણ નથી.
પૂત્ર સારમેયની વાત સાંભળીને પૂત્રના દુઃખે દુઃખી થઇને તેની માતા સરમા જનમેજય પોતાના ભાઇઓ સહિત જે યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા ત્યાં આવી પહોંચે છે.ક્રોધના આવેશમાં સરમાએ જનમેજયને કહે છે કે મારા પૂત્રે તમારો કોઇ અપરાધ કર્યો નથી,તેને હવિષ્ય સામે જોયું નથી કે તેને ચાટ્યું નથી તેમ છતાં મારા પૂત્રને તમારા ભાઇઓએ કેમ માર્યો? તે સમયે જનમેજય કે તેના ભાઇઓ સરમાને કોઇ જવાબ આપતા નથી ત્યારે સરમાએ કહ્યું કે મારો પૂત્ર નિર્દોષ છે છતાં તમોએ તેને માર્યો છે એટલે હું તમોને શ્રાપ આપું છું કે તમારી ઉપર અકસ્માતે એવો ભય આવશે કે જેની કોઇ સંભાવના પણ ના હોય. સરમાના શ્રાપથી જનમેજય ગભરાઇ જાય છે.યજ્ઞ પુરો થતાં જનમેજય ભાઇઓ સહિત હસ્તિનાપુર આવે છે અને પોતાને યોગ્ય પુરોહિતની શોધ કરે છે કે જે સરમાના શ્રાપરૂપ પાપકૃત્યને (બળ,આયુષ્ય અને પ્રાણને નાશ કરનાર) શાંત કરી શકે.
એકવાર જનમેજય શિકાર ખેલવા જાય છે ત્યાં એક આશ્રમ જુવે છે.આ આશ્રમમાં શ્રુતશ્રવા નામના ઋષિ રહેતા હતા,તેમના પૂત્રનું નામ સોમશ્રવા હતું જે હંમેશાં તપસ્યામાં લીન રહેતા હતા તેમને પુરોહિત તરીકે નિયુક્ત કરે છે પરંતુ શ્રુતશ્રવા કહે છે કે આ મારો પૂત્ર સોમશ્રવા સર્પિણીના ગર્ભથી પેદા થયો છે,તે બહુ મોટો તપસ્વી અને સ્વાધ્યાયશીલ છે.મારા તપોબળથી તેનું ભરણ-પોષણ થયું છે. એકવાર એક સર્પિણીએ મારૂં વિર્યપાન કરી લીધું હતું તેના પેટથી સોમશ્રવાનો જન્મ થયો છે.તે તમારી તમામ પાપકૃત્યાઓ (શ્રાપજનીન ઉપદ્રવો)ના નિવારણ કરવા સમર્થ છે,ફક્ત ભગવાન શિવની કૃત્યાનો સામનો કરી શકે તેમ નથી.આમ શ્રુતશ્રવાની રજા લઇને તેમના પૂત્ર સોમશ્રવાને સરમાના શ્રાપને નિષ્ફળ બનાવવા પુરોહિત બનાવી હસ્તિનાપુર લઇ જાય છે.