પેટ્રોલ ખૂટી જતા મોપેડ દોરાવીને જતો હતો, અચાનક હૃદયરોગનો હુમલો આવતા રસ્તા પર જ ઢળી પડ્યો
(હરેશ ભાલીયા દ્વારા)
Jetpur,તા.૨૬
રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં વધુ એક આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં ટ્યુશનથી પોતાના ઘરે પરત ફરી રહેલા ૧૫ વર્ષના અને ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું રસ્તા વચ્ચે જ હાર્ટ એટેક આવવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. આશાસ્પદ તરુણના અકાળે મોતથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરમાં રહેતો ૧૫ વર્ષીય પૂર્વ દિવ્યેશભાઈ મહાલિયા નામનો વિદ્યાર્થી ધોરણ-૧૦ માં અભ્યાસ કરતો હતો. રોજિંદા ક્રમ મુજબ પૂર્વ ટ્યુશન ક્લાસે ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે રસ્તામાં તેના મોપેડમાં પેટ્રોલ ખૂટી ગયું હતું. પેટ્રોલ ખલાસ થઈ જતા પૂર્વ પોતાનું મોપેડ દોરાવીને (ધક્કો મારીને) પગપાળા જઈ રહ્યો હતો. આ સમયે અચાનક જ તેને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો અને તે ચાલુ રસ્તે જ મોપેડ સાથે નીચે ઢળી પડ્યો હતો. આ સમગ્ર હૃદયદ્રાવક ઘટના નજીકમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પૂર્વ અચાનક રસ્તા પર ઢળી પડતા તેની સાથેના અન્ય સાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓ તુરંત દોડી આવ્યા હતા. તેને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો અને ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીના મોતના સમાચાર મળતા જ પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, પૂર્વને હૃદયની તકલીફ હતી અને તેનું હૃદય અગાઉથી જ માત્ર ૩૦ ટકા જ કામ કરતું હતું. પૂર્વ પરિવારના ત્રણ સંતાનો પૈકી એકમાત્ર લાડકવાયો પુત્ર હતો. વહાલસોયા અને એકના એક દીકરાએ અચાનક જ વિદાય લેતા મહાલિયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરુણ આક્રંદથી પથ્થર દિલનો માનવી પણ પીગળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આશાસ્પદ યુવાનના મોતથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

