Bhavnagar તા.૨૬
ભાવનગર શહેરના મધ્યમાં આવેલા મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર આજે સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સિહોર-ટાણા-વરલ રૂટની એસ.ટી. બસ સ્ટેન્ડના મુખ્ય ગેટમાંથી બહાર નીકળી રહી હતી તે દરમિયાન ડ્રાઈવરે કોઈ અગમ્ય કારણોસર વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પૂરપાટ ઝડપે દોડતી આ બસની બ્રેક ન વાગતાં કે સ્ટીઅરીંગ પરનો કાબૂ છૂટી જતાં બસ સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ત્યાં ઊભેલાં પ્રવાસીઓને અડફેટે લઈ ભરૂચા ક્લબની મજબૂત દીવાલ સાથે ભયાનક રીતે ટકરાઈ ગઈ હતી. આ કરૂણ દુર્ઘટનામાં ફૂટપાથ પર બેસીને વાહનની રાહ જોઈ રહેલાં એક કમનસીબ માતા અને તેમની માસૂમ સાત વર્ષની પુત્રીનું કમકમાટીભર્યું નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની વિગત અનુસાર સિહોર તાલુકાના રામધરી (સણોસરા) ગામના વતની લલીતાબેન ગુલાબસિંહ પરમાર (ઉં.વ. ૨૮) તથા તેમની સાત વર્ષની પુત્રી સોનિયાબેન ગુલાબસિંહ પરમાર પોતાના અંગત કામ સબબ ભાવનગર આવ્યા હતા. દિવસ દરમિયાનનું કામ પતાવીને તેઓ પરત પોતાના ગામે જવા માટે એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર ફૂટપાથ પર બેસીને વાહનની રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે બસ સ્ટેન્ડમાંથી સ્પીડમાં બહાર નીકળેલી એસ.ટી. બસે કાળ બનીને આ પરિવારને પોતાની ચપેટમાં લીધો હતો. બસની ભયાનક ટક્કરને કારણે ૨૮ વર્ષીય લલીતાબેન અને તેમની ૭ વર્ષની પુત્રી સોનિયાબેનનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં દર્દનાક મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં અન્ય એક મહિલા મધુબેન લાલજીભાઈ વાઘેલા (રહે. ઠોડા, તા. ઉમરાળા) પણ બસની ઝપેટમાં આવી જતાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના વેપારીઓ, રાહદારીઓ અને બસ સ્ટેન્ડમાં હાજર લોકોના ટોળાં સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી ગંભીર રીતે ઘવાયેલા મધુબેન વાઘેલાને વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હોવાથી પોલીસે તાત્કાલિક ક્રેન મારફતે ક્ષતિગ્રસ્ત બસને હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે બંને મૃતકોના મૃતદેહનો કબજો મેળવી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. બસના ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીને અકસ્માત બ્રેક ફેલ થવાને કારણે સર્જાયો કે ડ્રાઈવરની અજાગરૂકતાને લીધે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એક જ પરિવારના માતા-પુત્રીના અકાળે અવસાનથી સણોસરાના રામધરી ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

