વિપુલ હિરાણી
Bhavnagar તા.૨૬
ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને આત્મીયતાના પ્રતીક સમાન રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓ માટે એક ભાવભરી ભેટ જાહેર કરવામાં આવી છે. આગામી રક્ષાબંધનના દિવસે ભાવનગર શહેરમાં દોડતી તમામ સિટી ઈ-બસ સેવાઓમાં મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
મહાનગરપાલિકાના મેયર ઉષાબેન તલરેજા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ સંયુક્તપણે આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તહેવારના આ પાવન દિવસે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે કોઈપણ પ્રકારની યાતાયાતની મુશ્કેલી કે આર્થિક બોજા વિના સરળતાથી અને સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. રક્ષાબંધનના દિવસે શહેરની કોઈપણ સિટી બસમાં મુસાફરી કરતી વખતે મહિલાઓ પાસેથી કોઈ ટિકિટ ભાડું વસૂલવામાં આવશે નહીં.
ભાવનગર મહાનગરપાલિકાની સિટી બસ સેવા હંમેશા નાગરિકોને આરામદાયક, સમયબદ્ધ અને સલામત પરિવહન સુવિધા પૂરી પાડવા કટિબદ્ધ રહી છે. તહેવારોની ભીડભાડમાં બહેનોને સુગમ પરિવહન મળી રહે તેવા હેતુથી કરવામાં આવેલી આ પહેલ આવકારદાયક છે. મહાનગરપાલિકા તંત્રે તમામ નગરજનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે અને શહેરની તમામ મહિલાઓને આ નિઃશુલ્ક સેવાઓનો મહત્તમ લાભ લેવા નમ્ર અનુરોધ કર્યો છે.

