વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ દ્વારા સ્થળ પર યોગ્ય તપાસ કે કાયમી કામગીરી કરવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે
Surat ,તા.૨૭
સુરતમાં અડાજણના આહુરાનગર સોસાયટીમાં એરટેલ કંપનીના ખોદકામ દરમિયાન ડ્રેનેજ લાઈન તૂટી જતાં ગંદુ પાણી વરસાદી પાણીની લાઈનમાં ભળી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. આ સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા છેલ્લા ૪૫ દિવસથી વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં જવાબદાર કર્મચારી-અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવી હોવાના આક્ષેપો થયા છે. પરિણામે દુર્ગંધ અને ગંદકી વચ્ચે સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર મામલે સ્થળ તપાસ કરાવી ડ્રેનેજ લાઈનનું તાત્કાલિક સમારકામ કરવા તથા બેદરકારી દાખવનાર જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આહુરાનગર સોસાયટીના બંગલા નંબર ૮૪ ની બહાર એરટેલ કંપની દ્વારા ખોદકામ કરવામાં આવ્યા બાદ ડ્રેનેજ લાઈન નુકસાન પહોંચતા ગંદુ પાણી વરસાદી પાણીના નિકાલની લાઈનમાં ભળી રહ્યું છે.
આ અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા સંબંધિત વિભાગને અનેક વખત જાણ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. ફરિયાદ કર્યાને આશરે ૪૫ દિવસનો સમય વીતી ગયો હોવા છતાં તૂટેલી ડ્રેનેજ લાઈનનું સમારકામ નહીં થતાં સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ દ્વારા સ્થળ પર યોગ્ય તપાસ કે કાયમી કામગીરી કરવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ડ્રેનેજનું ગંદુ પાણી વરસાદી પાણીની લાઈનમાં ભળી રહ્યું હોવાથી આગામી વરસાદ દરમિયાન આ સમસ્યા વધુ ગંભીર બની શકે તેવી સ્થાનિકોને ભીતિ છે. ગંદા પાણીના કારણે આસપાસ દુર્ગંધ ફેલાવાની સાથે મચ્છરજન્ય રોગચાળાનો ખતરો પણ ઊભો થવાની શક્યતા છે. જેથી સંબંધિત વિભાગ દ્વારા માત્ર ફરિયાદ નોંધવાને બદલે સ્થળ પર જઈને સમગ્ર પરિસ્થિતિની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સ્થાનિકોએ એરટેલ કંપનીના ખોદકામ દરમિયાન ડ્રેનેજ લાઈનને નુકસાન થયું છે કે કેમ તેની પણ તપાસ કરવા, જવાબદારી નક્કી કરવા અને તૂટેલી લાઈનનું તાત્કાલિક સમારકામ કરાવવા માંગ કરી છે. સાથે જ છેલ્લા ૪૫ દિવસથી ફરિયાદો છતાં કામગીરી ન કરનારા જવાબદાર કર્મચારી-અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

