એનેસ્થેસિયા આપ્યા વગર ગરમ ચીપિયાથી હરસ-મસાના ઓપરેશન કરતો અને ૨૫૦૦૦ વસૂલતો, છેલ્લા ૧૦ વર્ષથી ચાલવતો દવાખાનુ
Vadodaraતા.૨૭
વડોદરાના અકોટા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ધોરણ-૧૦ નાપાસ બોગસ ડૉક્ટરે પ્રેમિલા ક્લિનિક ખોલી લોકોના જીવ સાથે ખુલ્લેઆમ ખેલ ખેલ્યો. એનેસ્થેસિયા આપ્યા વગર ગરમ ચીપિયાથી હરસ-મસાના ઓપરેશન કરતા આ ઝોલાછાપ તબીબનો ઝોન-૨ ન્ઝ્રમ્ ટીમે પર્દાફાશ કર્યો છે. સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતો મૂળ પશ્ચિમ બંગાળનો ૪૫ વર્ષીય બિશ્વજીત હાલદાર ઝડપાયો છે. પોતે ધોરણ-૧૦ માં ફેલ હોવા છતાં આ શખ્સે મ્ૈંછસ્જીની બોગસ ડિગ્રી ક્લિનિકમાં લગાવી રાખી હતી. ગુજરાત આયુર્વેદિક કે મેડિકલ બોર્ડમાં કોઈ પણ પ્રકારના રજીસ્ટ્રેશન વિના તે છેલ્લા ૧૦ વર્ષથી આ ગેરકાયદે પ્રેક્ટિસ ચલાવી રહ્યો હતો.
તપાસમાં સૌથી ભયાનક ખુલાસો એ થયો કે તે દર્દીઓને બેભાન કર્યા વગર માત્ર ગરમ ચીપિયા વડે હરસ-મસાના ઓપરેશન કરતો હતો અને પ્રત્યેક સર્જરી માટે અંદાજિત ૨૫,૦૦૦ સુધીની રકમ વસૂલતો હતો. ન્ઝ્રમ્ ટીમે રેડ પાડી ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, ડ્રિપ બોટલ અને કફ સીરપ સહિત ૧.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી પશ્ચિમ બંગાળમાં દેશી રીતે જાતે સારવાર શીખીને વડોદરા સ્થાયી થયો હતો. મેડિકલ પ્રોટોકોલનું સરેઆમ ઉલ્લંઘન કરી તે કોઈપણ લાયકાત વિના ગંભીર સર્જરીઓ કરી સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મૂકતો હતો. ડીસીપી ઝોન ૨ મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે રેડ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી દર્દીઓને બેહોશ કર્યા વગર ગરમ ચીપિયો લગાડીને ઓપરેશન કરતો હતો અને ૨૫,૦૦૦ સુધી વસૂલતો હતો.
આ નકલી ડિગ્રી સર્ટિફિકેટ ક્યાંથી બનાવડાવ્યું છે તે અંગે મેડિકલ વિભાગને સાથે રાખી તપાસ ચાલુ છે. આવા અન્ય કોઈ બોગસ પ્રેક્ટિશનર્સ કાર્યરત હશે તો તેમના વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવશે.
ધોરણ-૧૦ નાપાસ શખ્સ આશરે એક દાયકા સુધી મેડિકલ સાયન્સના નામે ગરીબ દર્દીઓ સાથે ક્રૂર મજાક કરતો રહ્યો. આટલા ગંભીર ષડયંત્ર અને જોખમી પર્દાફાશ છતાં આ બોગસ ડૉક્ટર હાલ છૂટી ગયો છે અને બિન્દાસ્ત ફરી રહ્યો છે. જો આ ઝોલાછાપ તબીબ ફરી ક્લિનિક શરૂ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરશે કે કોઈ દર્દીનો જીવ જશે, તો તેનો જવાબદાર કોણ રહેશે તે સૌથી મોટો સવાલ છે.

