પાર્સલ રિટર્ન લેવા બાબતે નજીકમાં રહેતા પિતા-પુત્રો તૂટી પડ્યા : ગુનો નોંધાયો
Rajkot,તા.31
શહેરના માડા ડુંગર પાસે શ્યામ કિરણ સોસાયટીમાં ડિલિવરી બોય તેના ભાઈ અને માતા પર અહીં રહેતા પિતા-પુત્રોએ પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. પાર્સલ રિટર્ન લેવા બાબતે થયેલી ગેરસમજના લીધે આ હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો હતો. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભાવનગર હાઈવે પર માંડા ડુંગર નજીક શિવમ પાર્ક શેરી નંબર-૪ માં રહેતા અને મિસોમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરનાર શનિ કાળુભાઈ મચ્છોયા (ઉ.વ. 24) નામના યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માંડા ડુંગરમાં નિલરાજ સ્કૂલની બાજુમાં શ્યામ કિરણ સોસાયટી શેરી નંબર 2 માં રહેતા અમિત વાઘેલા અને તેના બે પુત્રના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. 28- 8- 2026 ના બપોરના તે મિસોનુ પાર્સલ આપવા અમિતભાઈ વાઘેલાના ઘરે ગયો હતો પાર્સલ બાબતે ધર્મિષ્ઠાબેન વાઘેલાને કોલ કરતા તેમણે કહ્યું હતું કે, પાર્સલ નથી લેવું જેથી યુવાને પાર્સલ મિસોની ઓફિસમાં જમા કરાવી દીધું હતું. બાદમાં યુવાન ઘરે હતો ત્યારે તેના નાના ભાઈ રવિએ આવી કહ્યું હતું કે, તારા ફોનમાં કોઈકનો ફોન આવ્યો છે અને ગાળો બોલે છે ત્યારબાદ યુવાને ફોનમાં જોતા અમિત વાઘેલાનો કોલ હોય તેની સાથે વાત કરતા અમિતે યુવાનને પણ ગાળો આપી હતી અને કહ્યું હતું કે, તું શ્યામ કિરણ સોસાયટી શેરી નંબર બે પાસે આવેલા ચોકમાં આવ મારે પાર્સલની ડિલિવરી બાબતે કામ છે જેથી યુવાને અહીં જવાની ના પાડતા અમિતે કહ્યું હતું કે, તું અહીંયા નહીં આવે તો હું તારા ઘરે આવીશ. જેથી યુવાન બાઈક લઇ તેના ભાઈ રવિને સાથે લઈ અહીં ગયો હતો.
થોડીવારમાં યુવાનના માતા દયાબેન પાડોશી રામભાઈ સાખર પણ અહીં ચોકમાં આવ્યા હતા. અહીં અમિત તથા તેના બે પુત્ર ઉભા હોય અમિતે યુવાનનો કોલર પકડી ગાળો આપવા લાગ્યો હતો જેથી યુવાનની માતાએ ગાળો આપવાની ના કહેતા અમિતે ઉશ્કેરાય યુવકની માતાને ધક્કો મારી પછાડી દીધા હતા ત્યારબાદ તેના પુત્રએ લોખંડના પાઇપ વડે યુવાનના માતાને માર મારવા લાગ્યો હતો. જેથી યુવકનો ભાઈ રવિ માતાને છોડાવવા વચ્ચે પડતા અમિતે રવિને માથામાં લોખંડનો પાઇપ મારી દીધો હતો જેથી તેને લોહી નીકળવા લાગ્યું હતું. રવિને છોડાવવા માટે યુવાન વચ્ચે પડતા અમે તે તેને પણ ઢીકાપાટોનો માર માર્યો હતો અને ગાળો આપી હતી. દરમિયાન અમિતનો બીજો પુત્ર અહીં આવ્યો હતો અને છરી કાઢી યુવાનને જમણા હાથમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો અને અમિતે કહ્યું હતું કે જો પોલીસ કેસ કરીશ તો જો જે સારું નહીં થાય તું જીવતો નહીં રહે. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ ત્રણેય અહીંથી જતા રહ્યા હતા ઇજાગ્રસ્ત માતા-પુત્રોને સારવાર માટે 108 મારફત સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
યુવાને ફરિયાદમાં બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તે અમિત વાઘેલાના ઘરે પાર્સલ ડિલિવરી કરવા ગયો હતો અને તે અમિતને સારી રીતે ઓળખતો હોય દરમિયાન કોઈ બીજો ડિલિવરી બોયે પાર્સલ રિટર્ન લેવા માટે ગયો હોય જેણે પાર્સલ રિટર્ન લેવાની ના પાડી હોય જેથી અમિતને ગેરસમજ થતાં તેણે આ હુમલો કર્યો હતો. જે અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.

