(સલીમ પતાણી દ્વારા)
Kotdasangani તા.૩૧
રિપોર્ટર સલીમ પતાણી દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, કોટડા સાંગાણી તાલુકા પંથકમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા અન્નદાતાઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે અને ખેડૂતો ચિંતાના વાદળો વચ્ચે ઘેરાયા છે.
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર-દવાઓની ખરીદી કરીને ભારે જહેમત અને ખર્ચ કરીને વાવેતર કર્યું હતું. ખેડૂતોએ પોતાના પાક પાછળ આશરે ૭૦ થી ૮૦ ટકા જેટલો ખર્ચ કરી નાખ્યો છે. પરંતુ, હવે વર્તમાન સમયમાં ચોમાસુ વિદાય લેવાના આરે હોય અને વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જાણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ ગયો હોય.
તાલુકાભરમાં નદી-નાળાઓ અને ડેમો હજુ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાને કારણે મગફળી, કપાસ, સોયાબીન, શેરડી, શાકભાજી (બકાલું) તેમજ પશુઓ માટેનો ઘાસચારો જેવા મહત્વના પાકો મુરઝાવા લાગ્યા છે. એટલું જ નહીં, જળાશયોમાં પાણીના તળ ઊંડા જતા આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
મોંઘાટ ખર્ચ કરીને ઉગાડેલા પાકો આંખ સામે સૂકાઈ રહ્યા હોય, ત્યારે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે હવે મેઘરાજાની રાહ જોઈને બેઠા છે. જો વહેલી તકે સારો વરસાદ નહીં પડે, તો ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે અને પીવાના પાણીની પણ સમસ્યા વિકટ બનશે તેવી પ્રબળ ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે કોટડા સાંગાણી તાલુકાના લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

